ક્લાસમાંથી પસાર કરાયેલા વીજ વાયર નીચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે
વડોદરા,મંગળવાર
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલી રહેલી એફવાયબીએની પરીક્ષામાં પણ ફેકલ્ટીમાં ચાલી રહેલા સમારકામના કારણે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે.
આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક મુખ્ય બિલ્ડિગમાં એક ક્લાસમાંથી તો વાયર પસાર કરવામાં આવ્યો છે અને આ વાયરની નીચે બેસીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
અગાઉના કોન્ટ્રાક્ટરે બિલ્ડિંગમાં ઘણુ કામ અધુરુ રાખ્યુ હતુ અને હવે નવા કોન્ટ્રાક્ટરને આ કામ પુરુ કરવાની જવાબદારી સોંપાઈ છે.જેના કારણે ચાલુ પરીક્ષાએ પણ આ કામ ચાલી રહ્યુ છે.બીજી તરફ ફેકલ્ટી પાસે પરીક્ષા લેવા માટે વર્ગો ઓછા હોવાથી વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ સમારકામે પણ લેવાઈ રહી છે.તેમાં પણ વિદ્યાર્થીઓ લટકતા વીજ વાયર નીચે પરીક્ષા આપી રહ્યા છે.જો આ વાયરના કારણે કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોની તે સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.આર્ટસ ફેકલ્ટીની ગયા વર્ષે લેવાયેલી પરીક્ષામાં પણ પંખો પડવાના કારણે એક વિદ્યાર્થિનીને ઈજા પહોંચી હતી અને આ ઘટનાએ વિદ્યાર્થીઓની સુ રક્ષા પર સવાલો સર્જયા હતા.જોકે એ પછી પણ સત્તાધીશોએ કોઈ બોધપાઠ લીધો નથી તેમ લાગી રહ્યુ છે.