આર્ટસના સત્તાધીશોએ આનાકાની કરીને છેવટે વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ એડમિશન આપ્યા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ જીકાસ (ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ)ની બીજી પ્રવેશ યાદીની રાહ જોયા વગર વિદ્યાર્થીઓને આજથી ત્રણ દિવસ માટે પ્રવેશ આપવાની જાહેરાત કરી દીધી હતી.
જેના પગલે આજે ૮૦ ટકા અન તેનાથી વધારે માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માટે આર્ટસ ફેકલ્ટી ખાતે પહોંચ્યા હતા.જોકે વિદ્યાર્થીઓને ફેકલ્ટી ડીને એવુ કહ્યુ હતુ કે, જીકાસ પોર્ટલની પ્રવેશ યાદી વગર એડમિશન આપી ના શકાય તેવુ મને વાઈસ ચાન્સેલરે કહ્યુ છે, એટલે વિદ્યાર્થીઓને અમે પ્રવેશ નહીં આપીએ.તેમણે જીકાસની પ્રવેશ યાદીની રાહ જોવી પડશે.
ડીનની આ વાત સાંભળીને ઓલ સ્ટુડન્ટ યુનિયન અને બીજા સંગઠનોના વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને તેમણે ભારે હંગામો મચાવ્યો હતો.જેના કારણે છેવટે પ્રવેશ લેવા માટે આવેલા વિદ્યાર્થીઓને સાયકોલોજીને છોડીને બીજા વિષયોમાં પ્રવેશ અપાયો હતો.એક અંદાજ પ્રમાણે આજે ૬૦ થી ૭૦ વિદ્યાર્થીઓએ એડમિશન લીધુ હતુ.
જીકાસને બાયપાસ કરનારા ફેકલ્ટી સત્તાધીશો આ જ રીતે આવતીકાલે, ગુરુવારે અને શુક્રવારે પણ પ્રવેશ આપવાની જાહેરાત કરેલી છે.જેમાં ૬૦ ટકાથી ઓછા માર્કસવાળા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ માટે બોલાવાયા છે.આર્ટસ ફેકલ્ટી સત્તાધીશોના નિર્ણયથી સ્થાનિક વિદ્યાર્થીઓને ફાયદો થશે.આ જ રીતે કોમર્સ ફેકલ્ટી દ્વારા પણ વિદ્યાર્થીઓને બોલાવીને ઓન ધ સ્પોટ પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કોમર્સ ફેકલ્ટીના ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન સંગઠને પણ કોમર્સના ડીન સમક્ષ કરી છે.