કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલુ હોવાનો ખોટો મેસેજ ફરતો થતા વિદ્યાર્થીઓ ઉમટી પડયા

ખાનગી ક્લાસીસના વોટ્સએપ ગૃપમાં આવેલા ખોટા મેસેજથી સેંકડો વિદ્યાર્થીઓને ગેરસમજ થતા પરીક્ષા આપવા પહોંચી ગયા

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલુ હોવાનો ખોટો મેસેજ ફરતો થતા વિદ્યાર્થીઓ ઉમટી પડયા 1 - image


વડોદરા : જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્ર મુજબ વડોદરામાં આજે તમામ શાળા-કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રહ્યું હતું. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી પરીક્ષા પણ મોકુફ રાખમાં આવી હતી. તે અંગેનો મેસેજ ફેકલ્ટી દ્વારા સત્તાધિશોને મોકલવામાં આવ્યો હતો પરંતુ કોમર્સમાં આજે પરીક્ષા ચાલુ હોવાનો એક ખોટો મેસેજ ફરતો થતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા અને સેંકડો વિદ્યાર્થીઓ આ ખોટા મેસેજના આધારે આજે પરીક્ષા આપવા પણ આવી ગયા હતા.

કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી આગેવાનનું કહેવું છે કે ફેકલ્ટીમાં હાલમાં ટી.વાય.બીકોમ સેમેસ્ટ-૫ ની ઇન્ટરનલ અને એમ.કોમ.ફાઇનલ સેમેસ્ટ - ૩ ની ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે. બન્નેમાં મળીને આશરે ૧૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જો કે રવિવારે ભારે વરસાદ પડતા સોમવારની પરીક્ષા મોકુફ રાખીને તા.૩ જી ઓક્ટોબર ગુરૃવારે લેવાશે તેવો મેસેજ ફેકલ્ટી તરફથી રવિવારે રાત્રે ૧૧ વાગ્યે જ તમામ વિદ્યાર્થીઓને મોકલી દેવામા આવ્યો હતો. 

આ દરમિયાન ખાનગી ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું 'મોક્ષ એજ્યુકેશન ગૃપ' નામથી વોટ્સએપ ગૃપ ચાલી રહ્યું છે તેમાં રાત્રે ૨ વાગ્યા બાદ એવો મેસેજ ફરતો થયો હતો કે પરીક્ષા મોકુફ નથી રહી પરંતુ પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા સોમવારે લેવાશે જેનો સમય સવારે ૮.૩૦ના બદલે ૧૦.૧૫ કરાયો છે. આ ખોટા મેસેજને સાચો માનીને આજે ૨૦૦ થી ૩૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી ગયા હતા. અમે આ મામલે યુનિવર્સિટી સત્તાધિશોને ફરીયાદ કરી છે અને ખોટો મેસેજ ફરતો કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.


Google NewsGoogle News