વિદ્યાર્થીઓનું ટોળુ વીસીના ઘરનો ગેટ તોડી કમ્પાઉન્ડમાં ઘૂસી ગયું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એક પછી એક વિવાદો સર્જનારા વાઈસ ચાન્સેલર અને તેમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે મેસ ફી(હોસ્ટેલમાં જમવાની ફી) ફરજિયાત બનાવતા હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઈ હતી.હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોસ્ટેલ યુનિટી ફોર ફૂડ સ્ટ્રાઈકના નેજા હેઠળ ભારે વિરોધ કરીને પરચો બતાવતા જ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને પીઆરઓ( ઓએસડી) તથા ચીફ વોર્ડન દોડતા થઈ ગયા હતા.
વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે વર્તમાન શૈક્ષણિક વર્ષથી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે જમવાનુ ફરજિયાત બનાવવાનો નિર્ણય એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં લેવડાવ્યો હતો અને આ માટેની મેસ ફી પણ વિદ્યાર્થીઓએ એડવાન્સમાં જમા કરાવવાની રહેશે તેવુ નક્કી કરાયુ હતુ.
હોસ્ટેલમાં પ્રવેશ કાર્યવાહી શરુ થવાની હોવાથી હોસ્ટેલના ચીફ વોર્ડને વિદ્યાર્થીઓને ૨૪૦૦૦ રુપિયા મેસ ફી, ૭૦૦૦ રુપિયા હોસ્ટેલ ફી અને ૩૦૦૦ રુપિયા ડિપોઝિટ એમ કુલ ૩૪૦૦૦ રુપિયા ભરીને હોસ્ટેલ એડમિશન રિન્યૂ કરવા માટેના મેસેજ મોકલતા જ વિદ્યાર્થીઓ ભડકયા હતા.
હોસ્ટેલ યુનિટી ગુ્રપના નેજા હેઠળ આજે સાંજે વિદ્યાર્થીઓ પહેલા તો ચીફ વોર્ડનની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાંથી ૨૦૦ કરાત વધારે વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવના ઘરે પહોંચી ગયા હતા.ઘરનો મેઈન ગેટ તોડીને ટોળુ અંદર ઘૂસી ગયુ હતુ અને વીસી હાય...હાય..ના નારા લગાવતા ભારે હંગામો થયો હતો.વિદ્યાર્થીઓના દેખાવોથી કમાટીબાગના મેન રોડ પર પણ ટ્રાફિક જામ થવા માંડયો હતો.
વાઈસ ચાન્સેલર તો ઘરે નહોતા પણ સ્થિતિ કાબૂ બહાર જશે તેવુ લાગતા જ રજિસ્ટ્રાર, ચીફ વોર્ડન અને પીઆરઓ( ઓએસડી) વાઈસ ચાન્સેલરના ઘરે દોડી ગયા હતા.વિદ્યાર્થીઓના દેખાવોથી ગભરાઈ ગયેલા રજિસ્ટ્રારે તરત જ જાહેરાત કરવી પડી હતી કે, હોસ્ટેલમાં મેસ ફી ફરજિયાત નથી અને જેમને મેસમાં જમવુ છે તેમણે જ આ ફી ભરવાની રહેશે.એ પછી વિદ્યાર્થીઓ શાંત થયા હતા અને વાઈસ ચાન્સેલરના ઘરેથી હટયા હતા.
હવે પછી દરેક આંદોલન વીસીના ઘરની સામે જ થશે
મેસ ફી ફરજિયાત કરીને વીસીએ વિદ્યાર્થીઓના ભોજનની પસંદગીના અધિકાર પર તરાપ મારી છે
આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, હોસ્ટેલના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ગરીબ પરિવારોમાંથી આવે છે.તેમને એક સાથે ૩૪૦૦૦ ફી ભરવાની પોસાય તેમ જ નથી.ઉપરાંત મેસમાં જમવાનુ ફરજિયાત બનાવવાનો નિર્ણય મેસના કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે લેવાયો હોવાનુ દેખાઈ આવે છે.ઘણા વિદ્યાર્થીઓ ડુંગળી, લસણ વગરનુ ભોજન ખાતા હોય છે.આવા વિદ્યાર્થીઓ શું કામ મેસ ફી ભરે? ભોજન તો દરેકની પસંદગીનો વિષય છે અને વાઈસ ચાન્સેલરે તો વિદ્યાર્થીઓના આ અધિકાર પર પણ તરાપ મારી છે.આ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય.હવે પછી વિદ્યાર્થીઓ પોતાનુ દરેક આંદોલન વાઈસ ચાન્સેલરના ઘરની બહાર જ કરશે.અહીંયા આંદોલન કરવાથી જ સત્તાધીશોની સાન ઠેકાણે આવે છે તેવુ અમને આજે સમજાઈ ગયુ છે.