ફારસરુપ પરીક્ષા, વિદ્યાર્થીઓ પાસે હોલ ટિકિટ નથી અને અધ્યાપકો પાસે રોલ નંબરનું લિસ્ટ નથી

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
ફારસરુપ પરીક્ષા, વિદ્યાર્થીઓ પાસે હોલ ટિકિટ નથી અને અધ્યાપકો પાસે રોલ નંબરનું લિસ્ટ નથી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં હાલમાં હોલ ટિકિટ અને રોલ નંબર લિસ્ટ વગર જ વિદ્યાર્થીઓનો વાયવા(મૌખિક પરીક્ષા)લેવામાં આવી રહ્યો છે.

મળતી વિગતો પ્રમાણે ગત સોમવારથી ફેકલ્ટીમાં એસવાય, ટીવાય અને ફોર્થ યરના વિદ્યાર્થીઓનો વાયવા લેવાનુ શરુ કરાયુ છે.સામાન્ય રીતે આ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જનરેટ થતી હોય છે.તેમના રોલ નંબર લિસ્ટ વાયવા લેનારા અધ્યાપકોને આપવામાં આવતા હોય છે.સાથે સાથે વાયવા લેનારા અધ્યાપકોને તેમની કામગીરીને લગતો ઓર્ડર આપવામાં આવતો હોય છે.

જોકે આ વખતે મોટાભાગના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ જ જનરેટ નથી થઈ.અધ્યાપકો પાસે રોલ નંબર લિસ્ટ પણ નથી પહોંચ્યા અને નથી તેમને વાયવા લેવાના સત્તાવાર ઓર્ડર મળ્યા.જેના કારણે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ બંને અંધારામાં છે.ખાસ કરીને અગાઉના વર્ષમાં નાપાસ થયેલા કે ડિટેન થયેલા અથવા તો એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓનો વાયવા નથી લેવાતો પણ અધ્યાપકો પાસે જ્યારે વિદ્યાર્થીઓનુ લિસ્ટ જ નથી ત્યારે કયો વિદ્યાર્થી વાયવા માટે ક્વોલિફાય છે અને કયો વિદ્યાર્થી નથી તેની અધ્યાપકોને પણ ખબર નથી.

ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, અધ્યાપકો હોલ ટિકિટ પરના નંબર અને રોલ લિસ્ટના અભાવે વિદ્યાર્થીઓનુ નામ લખીને વાયવા લઈ રહ્યા છે.આ પ્રકારની ફારસરુપ પરીક્ષા અગાઉ ક્યારેય લેવાઈ નથી.એક અધ્યાપકે કહ્યુ હતુ કે, પરીક્ષા વિભાગ દ્વારા અધ્યાપકો પર સમયસર પેપર સેટ કરવા દબાણ થાય છે અને બીજી તરફ પરીક્ષા વિભાગ પોતે સમયસર હોલ ટિકિટ પણ જનરેટ કરી શકતો નથી.


Google NewsGoogle News