મિલેટ્સના પ્રસાર માટે વિદ્યાર્થિનીઓનુ અભિયાનઃ બાજરીની કેક, કોદરીની ખીર, રાગીના લાડુ અને જુઆરના સક્કકરપારા બનાવ્યા
વડોદરા,તા.10 જાન્યુઆરી 2023,મંગળવાર
ગુજરાતમાં ખાવા માટે ઘઉં, ચોખા અને ચણાના લોટના વ્યાપક ઉપયોગ વચ્ચે મિલેટસ એટલે કે જુઆર, બાજરી, રાગી જેવા બરછટ ધાન્યને લોકપ્રિય બનાવવા માટે એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગની વિદ્યાર્થિનીઓએ એક અભિયાન શરુ કર્યુ છે.
જેના ભાગરુપે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જેની શરુઆત આજથી થઈ છે.આજે વિદ્યાર્થિનીઓ અને અધ્યાપકોએ મિલેટ્સનો ઉપયોગ ભોજનમાં વધારવાના સંદેશ સાથે એક રેલી કાઢી હતી. સાથે સાથે ડિપાર્ટમેન્ટમાં જુઆર, બાજરી, રાગી, કોદરી, રાજગરો, સામો એમ નવ પ્રકારના ધાન્યમાંથી બનેલી વાનગીઓની એક કોમ્પિટિશન રાખવામાં આવી હતી.
વિદ્યાર્થિનીઓની સાથે સાથે ફેકલ્ટીના મહિલા અધ્યાપકોએ આ સ્પર્ધામાં ૩૮ જેટલી વાનગીઓ રજૂ કરી હતી. જેમાં બાજરીની કેક, કોદરીની ખીર, બાજરીની સુખડી, પાલક-જુઆરનો સૂપ, રાગીના દહીંવડા, રાજગરાની બરફી, જુઆરના સકરપારા, પંચરત્ન થેપલા, રાજગરા-જુઆરની ચાટ જેવી રસપ્રદ વાનગીઓનો સમાવેશ થતો હતો.
ડિપાર્ટમેન્ટના હેડ પ્રો.મિનિ શેઠનુ કહેવુ છે કે, દુનિયામાં ફૂડ ક્રાઈસિસ અને કુપોષણની સમસ્યાને દુર કરવા માટે બરછટ ધાન્ય એટલે કે મિલેટ્સ બહુ ઉપયોગી પૂરવાર થઈ શકે તે છે.કારણકે મિલેટસના પાક પર ક્લાઈમેટ ચેન્જની ઝાઝી અસર પડતી નથી. ઓછા ખર્ચે અને ઓછા પાણી વડે તેને ઉગાડી શકાય છે.જીવાત સામે તેની પ્રતિકારક શક્તિ વધારે છે અને તેનુ ઉત્પાદન પણ વધારે હોય છે. આમ ખેડૂતો માટે પણ તે ફાયદાકારક છે.
- ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઉજવણી
તેમનુ કહેવુ હતુ કે, વર્તમાન વર્ષને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ તરીકે ઉજવવામાં આવી રહ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ મિલેટનો ઉપયોગ વધારવા પર ભાર મુકયો છે. જેના ભાગરુપે હોમસાયન્સ ફેકલ્ટી દ્વારા ૧૨ જાન્યુઆરીએ ફેકલ્ટીમાં એક પ્રદર્શન પણ યોજાવાનુ છે. જેમાં મિલેટ્સને લગતી વિવિધ જાણકારી, તેમાંથી બનતી વાનગીઓની રેસિપી વગેરે પણ રજૂ કરાશે. કુલ મળીને એક્ઝિબિશનમાં ૧૮ સ્ટોલ હશે. આપણા ભોજનમાંથી મિલેટ્સનુ પ્રમાણ ઓછુ થઈ રહ્યુ છે ત્યારે તેને લઈને લોકોને જાગૃત કરવા ફેકલ્ટીએ અભિયાન શરુ કર્યુ છે.
- કુપોષણ અને એનિમિયાની સમસ્યાનો ઉકેલ મિલેટ્સમાં છે
પ્રો.મિનિ શેઠનુ એમ પણ કહેવુ છે કે, ભારતમાં કુપોષણની સાથે સાથે એનિમિયાની પણ સમસ્યા છે. મિલેટ્સમાં પુષ્કળ આયર્ન હોય છે. ૩ થી ચાર વર્ષ સુધી જો ભોજનમાં કોઈને કોઈ ધાન્યને સામેલ કરવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ શકે છે. મિલેટ્સ ફાઈબર રીચ હોવાથી અને તેમાં એન્ટિ ઓક્સિડન્ટ તત્વો હોવાથી હૃદયરોગનુ જોખમ પણ ઘટાડે છે.