હોસ્ટેલની દારુ અને ચિકન પાર્ટી: બાથરુમનો દરવાજો તોડીને લાકડાનો ઉપયોગ ચૂલામાં કર્યો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારુ અને ચિકન પાર્ટી કરવાના ચકચારી મામલામાં આજે ૧૧માંથી બે જ વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્ટેલની ડિસિપ્લિનરી કમિટિ સમક્ષ હાજર થયા હતા.
બાકીના નવ વિદ્યાર્થીઓએ ઘરમાં નિધન થયુ છે, નજીકના સબંધીનો અકસ્માત થયો છે તેવા જાત જાતના કારણો કમિટિને આપ્યા છે.જોકે કમિટીના સૂત્રોનુ કહેવુ છે કે, જેમના માતા પિતા નથી આવ્યા તે વિદ્યાર્થીઓને હવે બીજો મોકો આપવામાં નહીં આવે અને કમિટિ સીધી સિન્ડિકેટને વિદ્યાર્થીઓ સામે શું કાર્યવાહી કરવી તેની ભલામણ જ કરશે.
દરમિયાન કમિટિને એવી પણ વિગતો જાણવા મળી છે કે, ૧૧માંથી પાંચ જેટલા વિદ્યાર્થીઓ એવા છે જે હોસ્ટેલમાં રહેતા નથી પણ પાર્ટીમાં સામેલ થવા માટે બહારથી આવ્યા હતા.એમ એમ હોલના રુમની લોબીમાં ચિકન રાંધવા માટે ચૂલો બનાવાયો હતો.આ માટે હોસ્ટેલની પાછળની તરફથી પથ્થરો અને બીજુ મટિરિયલ લાવવા મચ્છરો પ્રવેશે નહીં તે માટે લગાવાયેલી જાળી વિદ્યાર્થીઓએ ફાડી નાંખી હતી. હોસ્ટેલના બાથરુમના જુના અને બાજુ પર મુકી દેવાયેલા દરવાજા તોડી નાંખીને તેના લાકડાનો ઉપયોગ ચૂલામાં કર્યો હતો.
કમિટિને એવી પણ જાણકારી મળી છે કે, રાજસ્થાની બાપુ લોબીના આ વિદ્યાર્થીઓ એમ એમ હોલના ત્રણ રુમમાં બીજા કોઈ વિદ્યાર્થીને રહેવા દેતા પણ નથી.આ પૈકીનો એક રુમ તો ધાર્મિક કારણ આપીને કાયમ માટે બંધ જ રાખવાની ફરજ પાડવામાં આવી રહી છે અને આશ્ચર્યની વાત એ છે કે, હોસ્ટેલ સત્તાધીશો પણ આ લોબીને તાબે થઈને વર્ષોથી તેમની વાત માની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દશેરાના દિવસે દારુ અને ચિકન પાર્ટીનો વિડિયો વાયરલ થયા બાદ સત્તાધીશો હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક ડિસિપ્લિનરી કમિટિએ કાર્યવાહી શરુ કરી હતી.