ધો. 10 અને 12 બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે બધા પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ

ધો.10માં ગુજરાતી સહિત ભાષા વિષયની જ્યારે ધો.12માં નામાના મૂળતત્વો અને ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા હતી

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
ધો. 10 અને 12 બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે બધા પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ 1 - image


પ્રથમ દિવસે ધો.૧૦ અને ૧૨ના મળીને કુલ ૬૦,૭૬૮ પૈકી ૬૦,૦૩૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, ૭૩૦ ગેરહાજર રહ્યાં

વડોદરા : આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. પરીક્ષા કેન્દ્રો પર સવારે પેપર શરૃ થાય તે પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર ના લાગે અને મનોબળ જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ઢોલ વગાડીને તો કેટલાક કેન્દ્રો પર ફૂલ અને ચોકલેટ આપીને સ્વાગત કરવામાં આવ્યુ હતું.

ધો.૧૦માં આજે પ્રથમ ભાષા તરીકે ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયની પરીક્ષા યોજાઇ હતી. આ માટે કુલ ૩૯,૩૨૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જો કે તેમાંથી ૫૨૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે ૩૮,૭૯૨ વિદ્યાર્થીઓએ ચાર ઝોનના ૧૫૬ બિલ્ડિંગના ૧,૬૧૮ વર્ગોમાં પરીક્ષા આપી હતી.

તે રીતે ધો.૧૨ કોમર્સમાં વિજ્ઞાાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાાનનું આજે પેપર હતું. નોંધાયેલા ૭,૫૨૩ પૈકી ૭,૪૩૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ૯૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો વિષયની પરીક્ષા હતી જેમાં કુલ ૧૩,૯૨૪ વિદ્યાર્થીઓની નોંધણી થઇ હતી જે પૈકી ૧૧૧ ગેરહાજર રહ્યા હતા અને ૧૩,૮૧૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત વિષયની પરીક્ષામાં એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે.

ધો.૧૨સામાન્ય પ્રવાહની પરીક્ષા બે ઝોનના ૬૬ બિલ્ડિંગના ૬૩૦ ક્લાસરૃમમાં જ્યારે ધો.૧૨ સાયન્સની પરીક્ષા ૪૧ બિલ્ડિંગના ૩૮૭ વર્ગોમાં યોજવામાં આવી હતી. ધો.૧૨ અને ૧૦માં કુલ મળીને આજે ૬૦,૭૬૮ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી ૬૦,૦૩૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ૭૩૦ ગેરહાજર રહ્યા હતા.તમામ કેન્દ્રોમાં મળીને ૨૫૦૦થી વધુ સી.સી.ટીવી કેમેરા પરીક્ષાની ગતીવિધી પર નજર રાખી રહ્યા છે. 

ધો. 10 અને 12 બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે બધા પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ 2 - image

પાઠયપુસ્તક આધારિત ગુજરાતીનું પેપર વિદ્યાર્થીઓને સરળ લાગ્યું

ધો.૧૦માં ગુજરાતી (પ્રથમ) ભાષાનું પેપર પણ સરળ રહ્યું હતું. જેમાં વિભાગ 'એ' અને 'બી' સંપૂર્ણ પાઠય પુસ્તક આધારિત હતા. વિભાગ 'સી' માં વ્યાકરણ આધારિત પ્રશ્નો પણ સરળ હતા. જે વિદ્યાર્થીઓએ પાઠય પુસ્તક આધારિત તૈયારી કરી હશે તેમને આજના પેપરમાં સારા માર્ક મળશે.

 વિભાગ 'ડી'માં સાંપ્રત વિષયને આવરી લઇને વિચાર વિસ્તારમાં દયાનો ભાવ અને સહનશક્તિ પર ભાર મૂકવામાં આવ્યો હતો જ્યારે સંક્ષેપીકરણમાં વિદ્યાર્થીઓના કર્તવ્ય પર  ભાર મુકાયો હતો. અહેવાલ વૃક્ષારોપણ પર પુછવામાં આવ્યો હતો. નિબંધો પણ પુરૃષાર્થનું મહત્વ અને દીકરી ઘરની દીવડી જેવા સરળ વિષયો પર હતા.

અંગ્રેજીનુ પેપર સરળ રહ્યું, સારો સ્કોર થવાની આશા

ધો. ૧૦માં આજે પ્રથમ પેપર અંગ્રેજી (પ્રથમ) ભાષાનું હતું. અંગ્રેજી ભાષાના શિક્ષકોનું કહેવું છે કે પેપર એકંદરે સરળ રહ્યું હતું. વ્યાકરણ આધારિત પ્રશ્નો પણ સરળ હોવાથી વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી હતી.

આજના પેપરમાં દિવાળી શોપિંગ વિશે ડાયરી અને બેકરી વિશેની જાહેરાત પૂછાઇ હતી સાથે જ વૃધ્ધાશ્રમ મુલાકાત બાબતે નોટિસ પુછાઇ હતી. તો વર્લ્ડ કપ ૨૦૨૩ ફાઇનલ સંદર્ભે રિપોર્ટ પણ પુછાયો હતો. 'જો હું હવા હોઉ' અને ભારતમાં સ્ત્રીઓનો મોભોે' વિષય પરના નિબંધ પુછાતા વિદ્યાર્થીઓને પેપર સરળ લાગ્યુ હતું જેથી આજના પેપરમાં સારો સ્કોર થવાની શક્યતાઓ છે.

ધો. 10 અને 12 બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે બધા પેપરો સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ 3 - image

ધો.૧૨ : પાઠયપુસ્તક આધારિત જ પેપરો હોવાથી નામાના મૂળતત્વો અને ભૌતિક શાસ્ત્રમાં વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શક્શે

ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આજે નામાના મૂળતત્વો વિષયનું પેપર એકદમ સરળ હતું અને પાઠય પુસ્તક આધારિત હતું. સામાન્ય વિદ્યાર્થી પણ પાસ થઇ જાય તે પ્રકારનું પેપર હતું. થિયરી આધારિત વિભાગ એ અને બી ખુબ સરળ હતા. હોશિયાર વિદ્યાર્થીઓ માટે ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવી આપે તેવુ પેપર હતું.

જ્યારે ધો.૧૨ સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર વિષયના પેપરનો ૫૦ માર્કનો વિભાગ ખૂબ જ સહેલો હતો અને પાઠયપુસ્તક આધારિત હતો. જો કે પ્રશ્ન ૮ અને ૯ વિદ્યાર્થીઓની કસોટી કરી લે તેમ હતા. જે વિદ્યાર્થીઓએ એનસીઆરટીની બુક સારી રીતે વાંચી હશે તેમના માટે સરળ રહ્યા હતા. એકંદરે આજના પેપરમાં વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવી શકે તેવુ હતું.  તેમ બન્ને વિષયના નિષ્ણાંતોનો અભિપ્રાય છે.


Google NewsGoogle News