યુનિ.ના પદવીદાન સમારોહની તારીખ જાહેર નહીં થતી હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આ વર્ષે પણ પદવીદાન સમારોહના આયોજનમાં કરેલા વિલંબના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જાન્યુઆરી મહિનાનો પૂરો થવા આવ્યો પણ હજી સુધી સત્તાધીશોએ પદવીદાન સમારોહની તારીખ જાહેર કરી નથી.
ગત વર્ષની જેમ આ વખતે પણ એમ.એસ.યુનિવર્સિટી ગુજરાતમાં સૌથી છેલ્લે પદવીદાન સમારોહ યોજનાર યુનિવર્સિટી બને તેવી શક્યતાઓ છે.જોકે વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાથે તો સત્તાધીશોને કોઈ લેવા દેવા જ ના હોય તેવો માહોલ યુનિવર્સિટીમાં જોવા મળી રહ્યો છે.
યુનિવર્સિટીમાં ૨૦૨૨-૨૩માં વિવિધ કોર્સમાં બેચલર અને માસ્ટરની ડિગ્રી મેળવનારા ૧૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહની રાહ જોઈને બેઠા છે.જેથી તેમને ડિગ્રી મળી શકે પણ સત્તાધીશો કદાચ એવા મહાનુભાવની રાહ જોઈને બેઠા છે કે જેમની તારીખ મળે અને એ પછી પદવીદાન સમારોહની તારીખની જાહેરાત થાય.
જોકે તેમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે.ડિગ્રી વગર તેમને વિદેશ જવામાં કે આગળ અભ્યાસમાં અથવા તો નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.જેના કારણે હવે વિદ્યાર્થીઓને પૈસા ખર્ચીને પ્રોવિઝનલ ડિગ્રી પર આધાર રાખવાનો વારો આવી રહ્યો છે.અત્યાર સુધીમાં ૩૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ પ્રોવિઝનલ ડિગ્રી લીધી છે.જોકે યુનિવર્સિટીના પીઆરઓ આવા વિદ્યાર્થીઓનો ચોક્કસ આંકડો વારંવાર યાદ કરાવ્યા પછી પણ આપી શક્યા નથી.
જોકે તેમણે કહ્યુ હતુ કે, બહુ જલદી પદવીદાન સમારોહની તારીખની જાહેરાત કરવામાં આવશે.