36847 વિદ્યાર્થીઓએ બેઝિક અને માત્ર 5806 વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપી
વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની હાલમાં ચાલી રહેલી ગુજરાત બોર્ડની પરીક્ષાઓમાં આજે ધો.૧૦ના વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ એમ બે પ્રકારના પેપરની પરીક્ષા આપી હતી.
ધો.૧૦ના વિદ્યાર્થીઓને ગણિત વિષય માટે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ એમ બે વિકલ્પ આપવામાં આવે છે.ધો.૧૧માં કોમર્સ લેનારા વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સ અને સાયન્સ લેવા માંગતા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સનો વિકલ્પ પસંદ કરી શકે છે.
વડોદરા શહેર અને જિલ્લામાં આજે ૩૬૮૪૭ વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ અને તેની સામે માત્ર ૫૮૦૬ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપી હતી.આમ બેઝિક મેથ્સનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ મેથ્સ પેપરને પસંદ કરનારા વિદ્યાર્થીઓ કરતા પાંચ ગણા વધારે છે.વડોદરા શહેર જિલ્લામાં ધો.૧૦ના માત્ર ૧૩ ટકા વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ મેથ્સ પેપરની પરીક્ષા આપી છે.
ગણિત વિષય ભણાવતા શિક્ષકોનુ કહેવુ છે કે, સરકારે જ્યારથી બે વિકલ્પમાંથી એક પસંદ કરવાની છૂટ આપી છે ત્યારથી આ પ્રકારનો જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓમાંથી મોટાભાગનાનો બેઝિક મેથ્સ તરફ ઝૂકાવ વધારે રહેતો હોય છે.શહેરી વિસ્તારોમાં પણ કોમર્સનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે રહેતી હોવાથી સ્ટાન્ડર્ડ મેથ્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ દરેક જિલ્લામાં સાવ ઓછી છે.દરમિયાન આજે ગણિતના સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સ એમ બંને પેપર પ્રમાણમાં સરળ રહ્યા હતા.આ વિષયના શિક્ષક રાકેશભાઈ પટેલના કહેવા પ્રમાણે પેપર પાઠયપુસ્તક આધારિત અને બ્લુપ્રિન્ટ પ્રમાણે હતા.પ્રમેય ૬.૧ બંને પેપરમાં પૂછાયો હતો.સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરમાં ત્રણ થી ચાર માર્કના પ્રશ્નો કસોટી કરી લે તેવા હતા.બંને પેપરો વિદ્યાર્થીઓની અપેક્ષા પ્રમાણે નીકળ્યા હોવાથી ચાલુ વર્ષે ગણિતનુ પરિણામ વધે તેમ લાગી રહ્યુ છે.અન્ય એક ગણિત શિક્ષક કૃણાલ શાહના કહેવા પ્રમાણે ત્રણ માર્કનો એક પ્રશ્ન જૂના કોર્સમાંથી પૂછાયો હતો.તેની સામે જોકે બીજા ઓપ્શન હોવાના કારણે વિદ્યાર્થીઓન વાંધો આવ્યો નહીં હોય પણ જૂના કોર્સમાંથી પ્રશ્ન પૂછી શકાય નહીં.
કેમેસ્ટ્રી અને ઈકોનોમિક્સના પેપર એકંદરે સરળ નીકળ્યાં
ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઈકોનોમિક્સ અને વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રીની પરીક્ષા આપી હતી.આ બંને પેપર પણ સહેલા હોવાથી વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.
કેમેસ્ટ્રી વિષયના શિક્ષક કમલ ભટ્ટના કહેવા પ્રમાણે કેમેસ્ટ્રીના પેપરમાં ચાર થી પાંચ એમસીક્યૂ ટ્વિસ્ટ કરીને પૂછાયા હતા પણ પાર્ટ બીમાં પાઠય પુસ્તકમાંથી ખૂબ જ સહેલા અને વિચાર્યા હોય તેવા જ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા.જે વિદ્યાર્થીઓએ પાઠય પુસ્તક પ્રમાણે તૈયારી કરી હશે તેમને આ સેક્શન સ્હેજ પણ અઘરુ નહીં લાગ્યુ હોય.પેપર સરવાળે સરળ હતુ અને વિદ્યાર્થીઓના ધાર્યા પ્રમાણે માર્ક આવશે.પાઠય પુસ્તકના આધારે તૈયારી કરનારા વિદ્યાર્થીઓના સારામાં સારા માર્ક આવે તેવી શક્યતા છે.
ઈકોનોમિક્સના શિક્ષક વિપુલભાઈ બગદાણિયાના કહેવા પ્રમાણે ઈકોનોમિક્સનુ પેપર પાઠય પુસ્તક અને બ્લુ પ્રિન્ટ આધારિત હતુ.જે વિદ્યાર્થીઓએ બોર્ડના પેપર પ્રેક્ટિસ સ્વરુપે લખ્યા હશે તેમને વિભાગ સી ડી અને ઈના મોટાભાગના પ્રશ્નો રિપિટ થતા લાગ્યા હશે.હોંશિયાર વિદ્યાર્થીઓ સમય પહેલા પેપર પૂર્ણ કરી શક્યા હશે તેમ મારુ માનવુ છે.જનરલ ઓપ્શનના લીધે ઈકોનોમિક્સમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા આ વખતે વધશે.