નમાઝ પઢવાના મુદ્દે નિવેદન આપનારા વિદ્યાર્થીને ધમકી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં નમાઝ પઢવાની ઘટનાના મુદ્દે નિવેદન આપનારા ફેકલ્ટીના વિદ્યાર્થીને કોઈએ ફોન પર ધમકી આપી હોવાની ઘટનાથી ચકચાર મચી છે.
કુલદીપ નામના આ વિદ્યાથીેએ ધમકી મળ્યા બાદ આજે સયાજીગંજ પોલીસ મથકમાં અરજી આપી હતી.વિદ્યાર્થીનુ કહેવુ હતુ કે, ગઈકાલે હું અને મારો મિત્ર વર્ગમાંથી બહાર નિકળતા હતા ત્યારે નમાઝ પઢવાના મુદ્દે મીડિયાએ મને સવાલ કર્યો હતો.આથી મેં જવાબ આપ્યો હતો કે, દરેક પ્રવૃત્તિ તેની યોગ્ય જગ્યાએ જ થવી જોઈએ.
તેણે કહ્યુ હતુ કે, એ પછી હું ઘરે જતો રહ્યો હતો.હું ઘરે હતો ત્યારે મારા પર કોઈનો ફોન આવ્યો હતો અને ફોન કરનારાએ મને કહ્યુ હતુ કે તું આજે તે નિવેદન આપ્યુ છે પણ કાલે તું એમ.એસ.યુનિવર્સિટીમાં આવ, તને જોઈ લઈશું.જેના કારણે મારે આજે પોલીસ સમક્ષ આવીને ફરિયાદ આપવી પડી છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ કોમર્સ ફેકલ્ટીમાં છેડતીની ઘટનામાં સંડોવાયેલાની હકાલપટ્ટીની માંગ કરનાર એનએસયુઆઈના આગેવાનને પણ આ જ રીતે ધમકી આપવામાં આવી હતી.