સાયન્સ ફેકલ્ટીમાં ફરી ચાલુ ક્લાસે વિદ્યાર્થિનીની તબિયત લથડતા દોડધામ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
સાયન્સ ફેકલ્ટીમાં ફરી ચાલુ ક્લાસે વિદ્યાર્થિનીની તબિયત લથડતા દોડધામ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ફરી એક વખત વિદ્યાર્થિનીની તબિયત લથડવાની ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે ફેકલ્ટીના બીસીએ(બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન)કોર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની એક સપ્તાહ પહેલા તબિયત લથડતા તે પડી ગઈ હતી અને તેને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

આ જ વિદ્યાર્થિનીને આજે ચાલુ ક્લાસે ફરી એક વખત ચક્કર આવતા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા.એ પછી ફરી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને તેને સારવાર માટે યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી.તેના માતા પિતાને પણ ફેકલ્ટીમાં બોલાવવામાં આવ્યા હતા.

ફેકલ્ટી ડીન પ્રો.કટારિયાએ કહ્યુ હતુ કે, એક સપ્તાહ બાદ બીજી વખત આ વિદ્યાર્થિનીની તબિયત બગડી હોવાથી અમે તેના માતા પિતાને અભ્યાસ બગડવાની ચિંતા કર્યા વગર યોગ્ય સારવાર કરાવીને જ ફરી ભણવા માટે મોકલવાની સલાહ પણ આપી છે.

આજના કિસ્સામાં પણ યુનિવર્સિટીને દાનમાં મળેલી એમ્બ્યુલન્સ કામમાં લાગી નહોતી.કારણકે હજી સુધી યુનિવર્સિટી સત્તાધીશોએ એમ્બ્યુલન્સ માટેના ડ્રાઈવરની નિમણૂંક પર મંજૂરીની મહોર મારી નથી.



Google NewsGoogle News