હાથમાં ફ્રેક્ચર સાથે વિદ્યાર્થીએ પરીક્ષા આપી તો એક વિદ્યાર્થી માટે આખુ કેન્દ્ર ફાળવવામાં આવ્યુ
સહકાર પંચાયત વિષયનું પેપર હતું, સ્થળ સંચાલક સહિત પાંચ જણનો સ્ટાફ એક વિદ્યાર્થી માટે તૈનાત રહ્યો
વિદ્યાર્થીએ ડોક્ટરોને કહ્યું કે સોમવારે પરીક્ષા છે માટે હાથનું ઓપરેશન શનિવારે નહી શુક્રવારે જ કરી આપો
વડોદરા : નવાયાર્ડ નજીક છાણીરોડ પર રહેતા ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીના જમણા હાથમાં ત્રણ ફ્રેક્ચર થયા હોવા છતાં હાથમાં પ્લાસ્ટર સાથે આજે તેણે પરીક્ષાના પ્રથમ દિવસે એકાઉન્ટ વિષયની પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીના માતા કુંજલબેન ઠાકરેએ કહ્યું હતું કે મારા પતિ અંકુશ ઠાકરે ચાઇનિઝ લારી ચલાવે છે અને હું ઘરકામ કરૃ છું. મારો પુત્ર રાજ ધો.૧૨માં અભ્યાસ કરે છે. ચાર દિવસ પહેલા રાજ ઘરમાં સીડી ઉતરતા પગ લપસી ગયો હતો જેથી તે પડી જતાં તેના જમણા હાથમાં ત્રણ ફ્રેક્ચર આવ્યા છે. તેને ગોત્રી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ત્યાં ડોક્ટરોએ શનિવારે ઓપરેશન કરવાનું કહ્યું ત્યારે રાજે કહ્યું કે સોમવારે પરીક્ષા હોવાથી શુક્રવારે જ ઓપરેશન કરી આપો અને શનિવારે રજા આપી દો તો હું તૈયારી કરી શકુ. ડોક્ટરોએ શુક્રવારે જ ઓપરેશન કરી આપ્યુ અને શનિવારે રજા લીધી. આજે રાઇટર સાથે રાજે પરીક્ષા આપી હતી. પ્રથમ પેપર નામાન મૂળ તત્વો સારૃ રહ્યું હતું.
ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર એક વિદ્યાર્થી માટે એક આખુ પરીક્ષા કેન્દ્ર ફાળવાયું
દેશમાં ચૂંટણી દરમિયાન આપણે જોઇએ છીએ કે માત્ર એક મતદાતા હોય તેવા સ્થળે પણ ચૂંટણી પંચ મતદાન બુથ સહિતની તમામ સુવિધા એક મતદાતા માટે ઉભી કરે છે કે જેથી મતદાતા પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે. તેવી રીતે આજે વડોદરામાં માત્ર એક વિદ્યાર્થી માટે બોર્ડે એક આખા પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરી હતી.
આ અંગે માહિતી આપતા સયાજીગંજ ઝોનલ અધિકારી એસ.વાય.ભટ્ટે કહ્યું હતું કે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આજે નામાના મૂળતત્વો ઉપરાંત સહકાર પંચાયત વિષયનું પણ પેપર હતું. આ વિષય માત્ર એક જ વિદ્યાર્થીએ પસંદ કર્યો છે. તેના માટે અટલાદરા વિસ્તારમાં એક આખુ કેન્દ્ર ફાળવવામા આવ્યુ હતું. જેમાં ફરજ પર સ્થળ સંચાલક, ખંડ નિરીક્ષક, ક્લાર્ક સહિત પાંચ જણનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો હતો.