રિફાઈનરીમાં ગર્ડર સાથેનું હજારો ટન વજનનું માળખું પડતા પ્રચંડ ધડાકો
વડોદરાઃ ગુજરાત રિફાઈનરીમાં તાજેતરમાં બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ ધડાકા સાથે લાગેલી આગ બાદ આજે રિફાઈનરી સંકુલમાં ગર્ડર સાથેનું એક સ્ટ્રકચર પડતા ફરી એક વખત મોટો ધડાકો થયો હતો અને તેના કારણે આસપાસના વિસ્તારોમાં ફરી એક વખત દહેશતની લાગણી પ્રસરી હતી.
મળતી વિગતો પ્રમાણે ં રિફાઈનરીની ક્રુડ ઓઈસ પ્રોસેસ કરવાની ક્ષમતા વધારવા માટે વિસ્તરણ માટેની કામગીરી ચાલી રહી છે.જેના ભાગરુપે રિફાઈનરીમાં વિવિધ બાંધકામ પ્રોજેકટ ચાલી રહ્યા છે.આજે બપોરના સમયે આવા જ એક પ્રોજેકટમાં સ્ટીલનો લગભગ ૨૦૦ ફૂટ લાંબા ગર્ડર સાથેનું માળખું પડયું હતુંે.હજારો ટન વજન ધરાવતુ માળખું પડતા કાન ફાડી નાંખે તેવો ધડાકો થયો હતો અને થોડી સેંકડો માટે તો આસપાસના વિસ્તારની ધરતી જાણે ધુ્રજી ઉઠી હોય તેવો અનુભવ લોકોને થયો હતો.
રિફાઈનરીમાં તાજેતરમાં સર્જાયેલી હોનારતના પડઘા હજી પણ શમ્યા નથી ત્યારે ધડાકાના પગલે રિફાઈનરીની આસપાસ રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.રિફાઈનરીની અંદર શું ચાલતું હોય છે તેની બહાર કોઈને જાણકારી નહીં હોવાથી ધડાકાને લઈને શરુઆતમાં તો તરેહ તરેહના તર્ક વિતર્કો થયા હતા અને જાત જાતની અટકળોને વેગ મળ્યો હતો.એ પછી ગર્ડર સાથેનુ માળખું પડયું હોવાનુ બહાર આવ્યું હતું.
આ મુદ્દે રિફાઈનરીના સત્તાધીશોનો સંપર્ક થઈ શક્યો નહોતો પરંતુ રિફાઈનરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ માળખું પડયું નહોતું પણ તેને પાડવામાં આવ્યું હતું.આખુ સ્ટ્રકચર સાવધાની સાથે ડિમોલિશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.આ માટે આસપાસના વિસ્તારમાં અવર જવર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો અને જરુરી સુરક્ષા વ્યવસ્થા કર્યા બાદ ગર્ડરને પાડવામાં આવ્યો હતો.