ડીઈઓ કચેરીમાં 50000 પેપરો મૂકી શકાય તેવો સ્ટ્રોંગરુમ બનાવાયો
વડોદરાઃ વડોદરા ડીઈઓ કચેરીમાં છેલ્લા એક મહિનામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.ત્રણ માળની ડીઈઓ કચેરીમાં પહેલા માળને બાદ કરતા પહેલા અને બીજા માળના મોટાભાગના રુમો બંધ હાલતમાં હતા.જેની સાફ સફાઈ કરીને હવે તે ફરી કાર્યરત કરવામાં આવ્યા છે.
મળતી વિગતો પ્રમાણે ડીઈઓ કચેરીના એજ્યુકેશન ઈન્સ્પેક્ટરો અત્યાર સુધી ગ્રાઉન્ડ ફ્લોર પરના એક મોટા રુમમાં બેસતા હતા.આ રુમને હવે સ્ટ્રોંગ રુમમાં ફેરવી નાંખવામાં આવ્યો છે.ડીઈઓ કચેરી રાજ્ય સરકારની નાની મોટી ૨૫ જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દર વર્ષે વડોદરામાં લે છે.આ પરીક્ષાના પેપરો અને ઉત્તરવહીઓ મુકવા માટે સ્ટ્રોગરુમની જરુર પડતી હોય છે.
દર વખતે પરીક્ષા ટાણે કોઈ સ્કૂલના રુમોનો ઉપયોગ સ્ટ્રોંગરુમ તરીકે કરવામાં આવે છે.તેની જગ્યાએ હવે ડીઈઓ કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એજ્યુકેશન ઈન્સ્પેકટરોની ઓફિસને સ્ટ્રોંગરુમમાં ફેરવી નાંખવામાં આવી છે.ડીઈઓ રાકેશ વ્યાસનુ કહેવુ છે કે, આ ઓફિસની બારીઓ બંધ કરીને જરુરી ફેરફાર કરાયા છે.અહીંયા મહત્તમ ૫૦૦૦૦ પેપરો અને ઉત્તરવહીઓ રાખી શકાશે.સ્ટ્રોંગરુમ પર ૨૪ કલાક નજર રહી શકે તે માટે બે સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે.
જ્યારે કચેરીના ૬ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને પહેલા માળ પરના બંધ રુમ ફાળવવામાં આવ્યા છે.દરેક ઈન્સ્પેકટરને અલાયદો રુમ અપાયો છે.કચેરીના બીજા માળના મોટાભાગના રુમો બંધ હાલતમાં હતા.તેમાં પડેલી વસ્તુઓ હટાવીને , તેની પણ સાફ સફાઈ કરવામાં આવી છે.અહીંયા ૧૩ આસિસ્ટન્ટ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરોને જગ્યા ફાળવવામાં આવી છે.આમ કારેલીબાગ ખાતે ડીઈઓ કચેરી ખસેડવામાં આવી તે બાદ પહેલી વખત આ કચેરીના ત્રણે ફ્લોર ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.