'ભારતમાલા' પ્રોજેક્ટ માટે સંપાદનની પ્રક્રિયા હાથ નહીં ધરવા ઉગ્ર રજુઆત
વાંધા સાંભળ્યા પણ કોઇ તંત્રએ જવાબો આપ્યા નથી ત્યારે
હાલ દરેક ખેતરમાં બટાટ, ચણા, સહિતના પાકો લહેરાઇ રહ્યા છે ત્યારે સર્વે કે સંપાદનની પ્રક્રિયા નહીં કરવા ખેડૂતોએ પોલીસ અને પ્રાંતને અવેદન આપ્યું
ભારતમાલા પ્રોજેક્ટ
અંતર્ગત અન્ય જિલ્લાઓમાં સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઇ ગઇ છે તેવી સ્થિતિમાં
ગાંધીનગરમાં આ પ્રોજેક્ટ જે ફિઝીબીલીટી રિપોર્ટના આધારે આગળ વધી રહ્યો છે તે
ફિઝીબીલીટી રિપોર્ટ જ ખોટો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવાની સાથે કલેક્ટર
કચેરીથી લઇને કમલમ સુધી વિરોધનો વંટોળ ઉભો કરવામાં આવ્યો હતો. તે વખતે કમલમમાંથી
ખેડૂતોને સમજાવી દેવામાં આવ્યા હતા અને વિરોધ સમી ગયો હતો ત્યારે આગામી દિવસોમાં
સંપાદનની અને ખેતરમાં જઇને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય ફરી ખેડૂતોમાં
રોષ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. કલોલ અને માણસાના આઠ ગામના ખેડૂતોએ આ બાબતે આજે
કલોલ પ્રાંત અધિકારીને લેખિત તથા મૌખિક રજુઆત કરી હતી અને હાલ આ પ્રક્રિયા મુલતવી
રાખવા માટે માંગણી કરી હતી.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોના વાંધા લેખિત અને મૌખિકમાં લેવામાં આવ્યા હતા પરંતુ તે અંગે કોઇ જ જવાબદાર તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી. કોઇ સર્વે નંબરમાં જમીન સંપાદન થયા બાદ ટૂકડો વધે છે તો ત્યાં ખેડૂત કઇ રીતે ખેતી કરે તે પ્રશ્ન મુખ્ય છે. આ ઉપરાંત હાલ ખેતરોમાં બટાટા, ચણા, તમાકું, એરંડા સહિતના પાક ઉભા છે અહીં સંપાદન અંગે માપણી કે સર્વેની કામગીરી કરવામાં આવશે તો ખેતપાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થશે જે ખેડૂતો કોઇ પણ સંજોગોમાં ચલાવી નહીં લે. જેના પગલે હાઇવે ઓથોરિટી દ્વારા હાલના સંજોગોમાં માપણી કે સંપાદનની પ્રક્રિયા હાથ ન ધરે તે માટે માંગણી કરવામાં આવી છે.