કંપનીના કામદારોને લઈને જતી બસને રોકી હડતાલ પર ઉતરેલા કામદારોનો મેનેજર પર હુમલો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
કંપનીના કામદારોને લઈને જતી બસને રોકી હડતાલ પર ઉતરેલા કામદારોનો મેનેજર પર હુમલો 1 - image

image : Freepik

Vadodara Crime News : વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી કંપનીના હડતાલ પર ગયેલા તથા છુટ્ટા કરાયેલા કર્મચારીઓએ ભેગા મળીને એચ.આર મેનેજરની ધુલાઇ કરી હવે પછી કંપની તરફ આવ્યો છે તો ઘરે પાછો જીવતો નહીં જવા દઇએ. અમને જેલમાં જવાનો કોઇ ડર નથી તેવી ધમકી આપી હતી.

યોગેન્દ્રસિંહ વિજયસિંહ ચાવડા(રહે. શિવ શક્તિ સોસાયટી, હાલોલ)એ જરોદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સાવલી તાલુકાના વડદલામાં આવેલી મીના સર્કિટ્સ પ્રાઇવેટ લીમીટેડમાં બે વર્ષથી એચ.આર મેનેજર તરીકે ફરજ બજાવે છે. કંપની દ્વારા પગાર વધારાની માંગણી તથા શિસ્ત ભંગના પગલાં રૂપે કેટલાક કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે. કંપનીમાં 200 જેટલા કામદારો બે મહિનાથી હડતાળ પર ઉતરેલા છે. કંપનીનું કામકાજ સદંતર બંધ હતું. તા.22, જુલાઇથી કંપનીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે.

22, જુલાઇના રોજ કંપનીની બસ છાણી જકાતનાકાથી અલગ અલગ જગ્યાએથી કંપનીના કર્મચારીઓ-વર્કરોને બેસાડીને કંપનીમાં આવવા નિકળ્યા હતા. બસ રેફરલ ચોકડી, જરોદ પાસેથી પસાર થતી હતી. ત્યારે વિશ્વામિત્રી બ્રિજ પહેલા કંપનીના હડતાલ પર ઉતરેલા કામદારો તેમજ કંપનીમાંથી છુટ્ટા કરાયેલા કામદારો ભેગા થઇને ઉભા હતા. તેમણે હાથ ઉંચો કરીને બસ ઉભી રખાવી હતી.

હડતાલ પર ઉતરેલા કામદાર સુનિલ.એચ.વસાવા (રહે.આમલીયારા, વડોદરા)એ બસમાં ચઢીને મારી સાથે ખેંચતાણ અને ધક્કામુક્કી કરતા ખીસ્સામાં મુકેલો મોબાઇલ અને પૈસા પડી ગયા હતા. બીજા કામદાર મહેશ પ્રભાતભાઇ ગોહીલ (રહે. પસવા ગામ, સાવલી-વડોદરા), કેતન ચંદુભાઇ ગોહીલ (રહે. વેમાર ગામ, સાવલી) અને વિક્રમ કે.ગોહીલ (રહે. વેમાર ગામ. સાવલી) એ લાતો અને મુક્કાથી માર માર્યો હતો. અપશબ્દો બોલી કહ્યું કે, તને કંપની ચાલુ કરવાનો બહુ શોખ છે. આજે તારો શોખ પુરો કરી નાંખીએ. હવે પછી ક્યારે કંપની તરફ આવ્યો છે તો ઘરે પાછો જીવતો નહીં જવા દઇએ. અમને જેલમાં જવાનો કોઇ ડર નથી. ઉપરોકત ધટના અંગે ચારેય શખ્શો સામે નોંધાયેલી ફરિયાદ મુજબ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News