શહેરમાં સ્કૂલ વર્ધીના વાહનોની એક દિવસની હડતાળના એલાનનો ફિયાસ્કો
વડોદરાઃ વડોદરામાં સ્કૂલ વર્ધીના વાહન ચાલકોની હડતાળનો ફિયાસ્કો થયો હતો અને હડતાળની નહીંવત અસર દેખાઈ હતી.
અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોને આરટીઓનુ પાસિંગ નહીં અપાતુ હોવાનુ કારણ આપીને આજે સ્કૂલ વર્ધીના વાહનોની હડતાળનુ એલાન ઈન્ટુકના સ્કૂલ વાહનોના સંગઠન દ્વારા અપાયુ હતુ.જોકે અન્ય એક સંગઠને આ હડતાળથી દૂર રહેવાની પહેલા જ જાહેરાત કરી હતી.
આજે જોકે હડતાળની અસર નહીં દેખાતા વાલીઓને રાહત અનુભવાઈ હતી.મોટાભાગના વાહન ચાલકો હડતાળમાં જોડાયા નહોતા.જેના કારણે વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે લેવા-મૂકવા જવા માટેનો ધક્કો પણ બચ્યો હતો.
સ્કૂલ વર્ધીના વાહનોના ચાલકોનુ કહેવુ હતુ કે, જો અમે હડતાળ પર જઈએ તો વિદ્યાર્થીઓન ભણતર તો બગડે જ છે પણ વાલીઓએ પણ હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે.જેના કારણે અમે હાલ પૂરતા હડતાળમાં જોડાવાનુ ટાળ્યુ છે.ભવિષ્યમાં જરુર લાગશે તો હડતાળમાં જોડાઈશું.
સાથે સાથે સ્કૂલ વાન અને રીક્ષા ચાલકોએ કહ્યુ હતુ કે, અમને સ્કૂલ વાહનનુ પાસિંગ નહીં આપીને હેરાન કરવામાં આવી રહ્યા છે.મોટાભાગના વાહન ચાલકો પાસે દસ્તાવેજો પણ તૈયાર છે.દરમિયાન હડતાળનુ એલાન એક જ દિવસનુ હોવાથી આવતીકાલથી વાલીઓને બાળકોને સ્કૂલે લેવા મૂકવા જવાનુ ટેન્શન નહીં રહે.