સિવિલમાં ટ્રાફિકના પ્રશ્નો દૂર કરવા કડક કાર્યવાહીઃએન્ટ્રી પોઇન્ટ ઉપર બેરીકેટીંગ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
સિવિલમાં ટ્રાફિકના પ્રશ્નો દૂર કરવા કડક કાર્યવાહીઃએન્ટ્રી પોઇન્ટ ઉપર બેરીકેટીંગ 1 - image


સિવિલ સત્તાધીશો અને એસપી વચ્ચે મહત્વની બેઠક

ચોરી સહિત અસામાજિક પ્રવૃત્તી ઉપર રોક લગાવવા પેટ્રોલીંગ વધારાશે : રાત્રે ટોળેવળીને બેસતા તત્વો સામે પણ કાર્યવાહી કરાશે

ગાંધીનગર  : સિવિલ સંકુલ સમસ્યાનું કેન્દ્ર સ્થાન બન્યુ ંછે ત્યારે ટ્રાફિક તથા અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા પોલીસવડાએ સિવિલની મુલાકાત લીધી હતી અને સિવિલના એન્ટ્રી પોઇન્ટ ઉપર બેરીકેટીંગ કરીને સ્ટાફ તથા જરૃર ન હોય તેવા વ્યક્તિ-વાહનોને સિવિલમાં પ્રવેશ નહીં આપવા માટે સુચના આપી હતી તેની આજે કડક અલવારી કરવામાં આવી હતી જેના પગલે સિવિલમાં આજે ઘર્ષણના બનાવો બન્યા હતા.

ગાંધીનગર સિવિલમાં વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે ગઇકાલે ખુદ એસપી અને સ્થાનિક પોલીસના સ્ટાફે સિવિલના સત્તાધીશો સાથે બેઠક કરી હતી અને કડક કાર્યવાહીના નિર્દેશો આપ્યા હતા. જેના પગલે આજે સવારથી જ સિવિલના બન્ને એન્ટ્રી પોઇન્ટ ઉપર બેરીકેટીંગ કરીને સ્ટાફ તથા દર્દી-દર્દીના સગા સિવાય અન્ય કોઇ વ્યક્તિને અંદર આવવા દેવામાં આવ્યા ન હતા જેના પગલે સિક્યોરીટી જવાન તથા પોલીસ સ્ટાફ સાથે વાહનચાલકોના ઘર્ષણના બનાવો પણ બન્યા હતા જો કે, એસપીની સીધી સુચના હોવાને કારણે અન્ય કોઇ પણ વ્યક્તિને કામવગર સિવિલ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. તો બીજીબાજુ સિવિલમાં રાત્રીના સમયે ટોળે વળીને બેસતા અસમાજિક તત્વો સામે પણ કાર્યવાહી કરવા માટે રાત્રે પોલીસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે અને અહીં મોડે સુધી ચાલુ રહેતી ચા અને નાસ્તાની દુકાનો સામે પણ કાર્યવાહી કરવાનું તંત્ર વિચારી રહી છે આ માટે સિવિલ સત્તાધીશોએ અગાઉ પણ વારંવાર લેખિતમાં કોર્પોરેશન તથા પોલીસમાં રજુઆત કરી છે. એટલુ જ નહીં, આ સંકુલમાંથી વાહનચોરીના કિસ્સા પણ બને છે તેને પણ રોકવા માટે અહીં પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે સ્થાનિક પોલીસને એસપીએ સુચના આપી છે.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી મોટાભાગે બંધ છે તેને પણ ચાલુ કરીને તેનું સતત મોનીટરીંગ થાય તે માટે પણ એસપીએ સુચના આપી છે.  


Google NewsGoogle News