Get The App

૮૭ ટકા ખાણી-પીણીની લારીઓ પર કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
૮૭ ટકા ખાણી-પીણીની લારીઓ પર કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી 1 - image

વડોદરાઃ વડોદરા શહેરમાં પણ સ્ટ્રીટ ફૂડ એટલે કે ખાણી પીણીની લારીઓનુ વ્યાપક ચલણ છે.હજારો લોકો રોજ લારીઓ પર અલગ અલગ વાનગીનો સ્વાદ માણતા હોય છે પણ મોટાભાગની લારીઓ ચલાવનારાઓને કચરાના નિકાલની જાણકારી નથી અને તેઓ કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા પણ કરતા નથી તેવુ તારણ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના સંશોધકોના એક સર્વેક્ષણમાં બહાર આવ્યુ છે.

ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગની એમએસસીની વિદ્યાર્થીની જિજ્ઞાાસા પરમારે અધ્યાપકો ડો.સરજૂ પટેલ, ડો.ખ્યાતી ત્રિવેદી અને હિમાની શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ૩૫૦ જેટલી ખાણી પીણીની લારીઓનો એક સર્વે કર્યો હતો.તેમની સાથે વાતચીત પણ કરી હતી.

તેના સર્વેક્ષણનુ ફોકસ વેસ્ટ મેનેજમેન્ટ પર હતુ.જિજ્ઞાાસા પરમારનુ કહેવુ છે કે, ૮૫ ટકા લારીવાળાઓને વેસ્ટ મેનેજમેન્ટ અંગે બહુ ઓછી જાણકારી છે.આ જ રીતે ૮૭ ટકા લારીઓ પર કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોતી નથી. ખાણી પીણીની લારીઓ પર વેસ્ટ મેનેજમેન્ટનો અભાવ એક મોટો પડકાર છે.આ સ્થિતિમાં સુધારો કરવા માટે ખાણી પીણીની લારીઓ ચલાવનારાઓને શિક્ષિત કરવા અને તેમના માટે એક જાગૃતિ અભિયાન ચલાવવુ બહુ જરુરી છે.વડોદરા કોર્પોરેશને પણ તેમને કચરાનો નિકાલ કરવા માટે વધારે સારી સુવિધા પૂરી પાડવાની જરુર છે.જેનાથી વડોદરાની સ્વચ્છતા અને સુંદરતા જાળવવામાં પણ મદદ મળશે.સંશોધકોનુ કહેવુ છે કે, સ્થાનિક તંત્રે લારીઓ ચલાવનારાઓને તાલીમ આપવા માટે તથા તેમનામાં જાગૃતિ લાવવા માટે અભિયાન શરુ કરવુ જોઈએ.

હોમસાયન્સ ફેકલ્ટીના સંશોધકોએ લારીઓના સંચાલકો માટે એક વિડિયો પણ તૈયાર કર્યો છે.જેમાં સંચાલકોને કચરો કેવી રીતે એકઠો કરવો, તેનો નિકાલ કેવી રીતે કરવો અને કચરાપેટીઓનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી ગ્રાફિક્સ સાથે સરળ ભાષામાં પૂરી પાડી છે.

કચરાનો યોગ્ય નિકાલ ના કરાય તો રોગચાળો ફેલાઈ શકે તેવી પણ ખબર નથી 

--ઘન કચરાનો યોગ્ય નિકાલ કરવામાં ના આવે તો તેના કારણે રોગચાળો ફેલાઈ શકે છે તેવુ ૮૩ ટકા લારીઓના સંચાલકોને ખબર નથી.

--૮૧ ટકા લારીવાળાઓને ખુલ્લામાં ફેંકવામાં આવતો ખાણી પીણીની કચરો અને તેના નિકાલનો અભાવ બેકટેરિયા અને વાયરરસના ફેલાવા માટે કારણભૂત બની શકે છે તેવી જાણકારી નથી.

--મોટાભાગની લારીઓના સંચાલકો પ્લાસ્ટિકની થેલીઓનો છૂટથી ઉપયોગ કરતા હોવાનુ અને બાયોડિગ્રેડેબલ પેકિંગ અંગે જાણકારી નહીં ધરાવતા હોવાનુ સામે આવ્યુ છે.

--૬૯ ટકા સંચાલકોએ કહ્યુ હતુ કે, અમે સ્વચ્છ ભારત મિશન અંગે જાણતા નથી.

--૮૩ ટકા લારીઓ પર ગ્રાહકો માટે વધેલો કચરો ફેંકવાની અલાયદી કચરા પેટીઓ નથી.

--કચરો ભેગો કરવા માટે અલગ અલગ પ્રકારની કચરાપેટી ૮૧ ટકા લારીઓવાળા વાપરતા નથી.

--૮૧ ટકા લારીઓ પર કચરો એકઠો કરવા માટેની કચરા પેટીને ધોવામાં આવતી નથી.

--કચરો અલગ રાખવા માટે ૮૨ ટકા લારીઓ પર અલગ જગ્યા નથી.


Google NewsGoogle News