મદનઝાંપા રોડ પર કચરો નાંખવાના મુદ્દે પથ્થરમારો
જગ્યાનો કેસ પરત ખેંચી લેવા માટે ધમકી આપી
વડોદરા,મદનઝાંપા રોડ મોટી ખારવાવાડમાં કચરો નાંખવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે તકરાર થઇ હતી. આરોપીઓએ પથ્થરમારો કરી ઇજા પહોંચાડી હતી.
મદનઝાંપા રોડ મોટી ખારવાવાડમાં રહેતા અખિલ જીતેન્દ્રભાઇ ખારવા સોફ્ટવેર એન્જિનિયર છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મકાનની પાછળ આવેલી કોર્પોેરેશનના માર્જિનની ખુલ્લી જગ્યામાં કોઇએ કચરો નાંખ્યો હોવાથી મેં કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. જેથી, કોર્પોરેશનનો સ્ટાફ તપાસ માટે આવ્યો હતો. હું મારા ઘરની બારી ખોલી સ્ટફને કચરો બતાવતો હતો. તે સમયે નાની ખારવાવાડમાં રહેતા ક્રિષ્ના ભૂપેન્દ્રભાઇ ખારવા તથા તેના પરિવારજનોએ આવીને મને કહ્યું કે, તમને બારી ખોલવાનો અધિકાર નથી. તેઓ ઝઘડો શરૃ કરી ગાળો બોલવા લાગ્યા હતા. તેઓએ લાકડી વડે હુમલો કરી મારૃં માથું દિવાલમાં અફાળી માર માર્યો હતો. તેઓએ મારો મોબાઇલ ફોન ફેંકી દીધો હતો. ઝપાઝપી દરમિયાન મારી સોનાની ચેન તૂટી ગઇ હતી. તે ચેન આરોપીઓ લઇને ભાગી ગયા હતા. તેઓએ અમારા પર પથ્થરમારો કરતા પીઠના ભાગે ઇજા થઇ હતી. કોર્પોેરેશનની માર્જિનની જગ્યાનો ચાલતો કેસ પરત ખેંચી લેવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.