સેવાસીમાં બાઇક મૂકવા બાબતે ઝઘડો ઃ ઘર પર પથ્થરમારો
લાકડી અને ક્રિકેટના બેટથી હુમલામાં દંપતી સહિત ત્રણને ઇજા ઃ ચાર સામે ગુનો
વડોદરા, તા.11 શહેર નજીક સેવાસીમાં બાઇક મૂકવા બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું અને એક ઘર પર પથ્થરમારો કરી લાકડી તેમજ ક્રિકેટના બેટથી હુમલો કરતા એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઇજા થઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે સેવાસી ગામમાં વાવવાળા ફળિયામાં રહેતો અંબુ શંકરભાઇ ચુનારાએ ફળિયામાં બાઇક મૂકી હતી જે અંગે ફળિયામાં રહેતા રામુ કનુભાઇ ચુનારાએ ઝઘડો કરી અપશબ્દો બોલવાનું શરૃ કર્યુ હતું. દરમિયાન રામુએ ફળિયામાં રહેતા અન્ય સંબંધીઓ ઇશ્વર ફકીર ચુનારા, કલ્પેશ ઇશ્વર ચુનારા અને તેની પુત્રી કોમલે અંબુના ઘર પર પથ્થરો માર્યા હતાં. આ પથ્થરમારામાં અંબુની પત્ની રેખાને ઇજા થઇ હતી.
દરમિયાન અંબુનો નાનો ભાઇ જેસીંગ ઝઘડામાં વચ્ચે પડતાં હુમલો કરનારા વધુ ઉશ્કેરાયા હતા અને લાકડી માથામાં મારતા જેસીંગને ઇજા થઇ હતી જ્યારે ભાઇને બચાવવા જતા અંબુ પણ જતા તેને માથામાં ક્રિકેટનું બેટ મારી ઇજા પહોંચાડી હતી. હુમલાખોરોએ ઘર પર પથ્થરો મારતાં લોકો ભેગા થઇ ગયા હતાં. દરમિયાન પોલીસ આવી ગઇ હતી અને આ અંગે અંબુએ હુમલો કરનારા ચારેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.