સાવલીમાં ઝંડો લગાવવા મુદ્દે બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો
બંને કોમના ટોળા સામસામે આવી ગયા ઃ કાર અને દુકાનના શેડની તોડફોડ ઃ ૩૬ તોફાનીઓ ઝડપાયા..
સાવલી તા.૨ સાવલી નગરમાં દામાજીના ડેરા પાસે લઘુમતી સમાજના યુવકો દ્વારા ઝંડો લગાવવા મુદ્દે બે કોમના ટોળા ગઇરાત્રે સામસામે આવી ગયા બાદ બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. કોમી હિંસાના પગલે જિલ્લા પોલીસના કાફલાએ સાવલી દોડી આવી મામલો થાળે પાડયો હતો. પોલીસે બંને કોમના કુલ ૪૧ શખ્સો સામે હુલ્લડનો ગુનો નોંધી ૩૬ને ઝડપી પાડયા હતાં.
સાવલીમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર નગરની શાંતિમાં પલીતો ચાંપ્યો છે. આગામી ઈદ એ મિલાદ પર્વની ઉજવણી નિમિત્તે ઝંડા લગાવવા મુદ્દે અથડામણ થઇ હોવાનું બહાર આવ્યું છે. દામાજીના ડેરા પાસે આવેલા વીજળીના પોલ ઉપર એક સંપ્રદાયના ઝંડા લાગેલા હતા તેની સાથે લઘુમતી સમાજના યુવકોએ વાંસથી ઝંડો લગાવતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં લોકટોળા ભેગા થયા બાદ બંને જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો.
બંને કોમના ટોળા મારક હથિયારો સાથે રસ્તા પર ઉતરી પડયા હતા હિંસક બનેલા ટોળાએ પાર્ક કરેલી કારના કાચ અને એક દુકાનના લાકડા ને પતરાના શેડમાં તોડફોડ કરી હતી. કોમી હિંસાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાવલી દોડી એાવ્યા હતા.
હિંસાના પગલે નગરમાં કોમી તંગદિલી ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પેટ્રોલિંગ વધારી દેવાયું હતું.