ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન શરૂ, અમદાવાદથી એકતાનગર સુધીની સફર, જાણો ખાસિયત

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન શરૂ, અમદાવાદથી એકતાનગર સુધીની સફર, જાણો ખાસિયત 1 - image

વડોદરા,તા.31 ઓક્ટોબર 2023,મંગળવાર

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી એકતા નગર(કેવડિયા કોલોની) વચ્ચે સ્ટીમ હેરિટજ સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પીએમ મોદીએ વિડિયો લિન્કના માધ્યમથી આ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

 ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન શરૂ, અમદાવાદથી એકતાનગર સુધીની સફર, જાણો ખાસિયત 2 - image

આ ટ્રેન આજે વડોદરા ખાતે પાંચ મિનિટ માટે રોકાઈ હતી અને તેના હેરિટેજ લૂકના કારણે મુસાફરોમાં પણ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. ટ્રેન પ્રવાસની જૂની યાદો તાજા થાય તે પ્રમાણે ટ્રેનની બહારથી અને અંદરથી સજાવટ કરવામાં આવી છે. સાથે સાથે લોકોને આધુનિક સુવિધા મળે તેનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. સ્ટીમ એન્જિનના કારણે લોકોને રેલવેના વિતેલા યુગની ઝલક પણ મળશે. 

ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન શરૂ, અમદાવાદથી એકતાનગર સુધીની સફર, જાણો ખાસિયત 3 - image

ટ્રેનનો સમય અને ભાડું

ટ્રેનનુ સંચાલન 5 નવેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન દર રવિવારે સવારે 6-10 વાગ્યાથી અમદાવાદથી રવાના થશે અને સવારે 9-50 વાગ્યે એકતાનગર પહોંચશે. સાંજે 8-35 વાગ્યે આ ટ્રેન એક્તાનગરથી વળતી મુસાફરી કરીને મધરાતે બાર વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેનમાં વિસ્ટાડોમ પ્રકારના ચાર એસી કોચ  જોડવામાં આવ્યા છે. જેમાંથી 3 ચેર કાર છે અને એક રેસ્ટોરન્ટ છે. ટ્રેનનુ એન્જિન તો મોટર કોચ પ્રકારનુ છે પણ તેને સ્ટીમ એન્જિન જેવો દેખાવ આપવામાં આવ્યો છે. 

એક તરફની મુસાફરી માટે 885 રૂપિયા ભાડું થશે. એકતા નગર અને અમદાવાદ વચ્ચે 182 કિલોમીટરની મુસાફર દરમિયાન ટ્રેન કોઈ જગ્યાએ ઊભી નહીં રહે.

ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન શરૂ, અમદાવાદથી એકતાનગર સુધીની સફર, જાણો ખાસિયત 4 - image

ટ્રેનની એસી રેસ્ટોરન્ટમાં 28 લોકો એક સાથે બેસી શકે તેવી સુવિધા છે. અંદર સાગના લાકડાની પેનલો લગાવવામાં આવી છે. જીપીએસ આધારિત એનાઉન્સમેન્ટ સિસ્ટમ, તેજસ ટ્રેનો જેવી સામાન રાખવાની સુવિધા, ઓટોમેટિક સ્લાઈડિંગ ડોર જેવી સુવિધાઓથી આ ટ્રેનને સજ્જ કરાઈ છે.

ગુજરાતની પહેલી હેરિટેજ ટ્રેન શરૂ, અમદાવાદથી એકતાનગર સુધીની સફર, જાણો ખાસિયત 5 - image

આ છે ખાસિયત

1. હેરિટેજ ટ્રેનને એક ઈલેક્ટ્રિક એન્જીન દ્વારા ચલાવવામાં આવશે. તેને એ રીતે ડિઝાઈન કરાઈ છે જેનાથી લોકોને સ્ટીમ(વરાળ) એન્જિનથી ચાલનારી રેલગાડીઓની જેમ જ અનુભવ થાય, જેમ કે શરુઆતના દિવસોમાં ધુમાડા ઉડાડતી અને સીટી વગાડતી ટ્રેનોમાં લોકો અનુભવ શેર કરતા હતા.

2. ત્રણ ડબ્બાઓમાં 48-48 સીટો છે અને મુસાફર 28 સીટર એસી રેસ્ટોરન્ટ ડાઈનિંગ કારમાં ડાઈનિંગ ટેબલ અને બે સીટર કુશન વાળા સોફા પર બેસીને ચા અને નાસ્તાનો આનંદ ઉઠાવી શકે છે.

3. તમામ ડબ્બાઓમાં સાગના લાકડાનું ઈન્ટીરિયર છે, જેને ચેન્નઈના પેરમ્બૂર સ્થિત ઇન્ટીગ્રલ કોચ ફેક્ટ્રીમાં ડિઝાઈન કરવામાં આવ્યું છે.

રેલવેથી જોડાયેલો છે ખાસ ઈતિહાસ

વડોદરામાં રેલવેની એક સમૃદ્ધ વિરાસત છે, જેમાં રેલવે સેવાઓને ચલાવવાનો પ્રથમ પ્રયાસ વર્ષ 1862માં વડોદરા રાજ્યના તત્કાલિન શાસક ખાંડેરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડભોઈ અને મિયાગમ વચ્ચે 8 મીલના ટ્રેક પર બળદોએ ટ્રેનને દોડાવી. વર્ષ 1880 સુધી રોડ પર નિયમિત રીતે લોકોમોટિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News