મકાનના મુખ્ય દરવાજાની ચાવી લોકમાં જ રહી જતા ચોરી

રોકડા ૧.૬૬ લાખ અને સોનાના દાગીના લઇ જતા ચોર

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
મકાનના મુખ્ય દરવાજાની ચાવી લોકમાં જ રહી જતા ચોરી 1 - image

વડોદરા,અટલાદરા વિસ્તારમાં રહેતા ઇન્સ્યોરન્સ કંપનીના કર્મચારીના મકાનના મુખ્ય દરવાજાની ચાવી  લોકમાં જ રહી જતા ચોર ટોળકી ૧.૬૬ લાખની મતા ચોરી ગઇ હતી.

અટલાદરા સી.એમ.પટેલ ફાર્મની સામે ઓરાવિલામાં રહેતો ધર્મેન્દ્રસિંહ સુરેશસિંહ યાદવ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે. ગત તા. ૩૦ મી એ તે ઉપરોક્ત મકાનમાં રહેવા માટે  ગયો હતો. અને ઘરનો સામાન ગોઠવવાનું કામ ચાલુ  હતું. ગત તા. ૨ જી એ ધર્મેન્દ્રસિંહ પુત્ર અને પત્ની સાથે મકાનના ઉપરના માળે સૂઇ ગયો હતો. મળસ્કે સાડા ત્રણ વાગ્યે સોસાયટીના રહીશો ભેગા થયા હતા. અને ધર્મેન્દ્રસિંહને ઉઠાડયો હતો. તેણે નીચે જઇને જોયું તો ઘરનો સામાન વેરવિખેર હાલતમાં હતો. અને રસોડાનો દરવાજો ખુલ્લો હતો. રાતે સૂતી વખતે મકાનના મુખ્ય દરવાજાના તાળાની ચાવી ભૂલથી લોકમાં જ  રહી ગઇ હતી. જેથી, ચોર ટોળકી ઘરમાં ઘુસીને રોકડા ૧.૧૬ લાખ તથા સોનાના દાગીના મળીને કુલ રૃપિયા ૧.૬૬ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે માંજલપુર  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News