પિતાનું અવસાન થતા તેમના ઘરે ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી
વારસિયા વિસ્તારના બંધ મકાનને નિશાન બનાવી ચોર એક લાખ ઉપરાંતની મતા લઇ ગયા
વડોદરા,શહેરના દાંડિયા બજાર અને વારસિયા વિસ્તારમાં આવેલા બે મકાનને નિશાન બનાવી ચોર ટોળકી અઢી લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ગોપાલ ભવન પેન્ટ હાઉસમાં રહેતા સંજય ચંદ્રકાંતભાઇ રાણા વડનેરકર જ્વેલર્સમાં છેલ્લા સાત વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરે છે. ગત તા.૧૯મી એ તેમના પિતાનું અવસાન થતા તેઓ નવરંગ સિનેમાની સામે રાણા વાસમાં જૂના ઘરે ગયા હતા. ગત તા.૨૩મી એ તેમની દીકરી પેન્ટ હાઉસમાં સાફ સફાઇ કરી તાળું મારીને પરત આવી હતી. ત્રણ દિવસ પછી તેમની દીકરી પરત સાફ સફાઇ કરવા ગઇ ત્યારે જોયું તો મકાનના મુખ્ય દરવાજાની લોખંડની જાળીને મારેલું તાળું તૂટેલું હતું. અને મુખ્ય દરવાજાની નીચે મારેલું પ્લાય કોઇએ કાઢી નાંખ્યું હતું. મકાનમાં તપાસ કરતા ચોર ટોળકી સોનાના દાગીના, સ્માર્ટ ટીવી તેમજ રોકડા ૧૦ હજાર મળીને કુલ રૃપિયા ૧.૪૩ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે રાવપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં વારસિયા ગાયત્રી ગ્રાઉન્ડની સામે પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતો જયપ્રકાશ ઉર્ફે જે.કે.પુરૃષવાણી પદ્માવતી કોમ્પલેક્સમાં આવેલી ગારમેન્ટની દુકાનમાં નોકરી કરે છે. તેનો ભાઇ વારસિયા મીરા ફ્લેટ પાસે રાધિકા ફ્લેટમાં રહે છે. ગત તા.૧૦મી એ તેના ભાઇ ભાભી લગ્ન પ્રસંગે બહાર ગામ ગયા હતા. ગયા હતા. ભાઇના ઘરે તેની મમ્મી કવિતાબેન બીમારીના કારણે પથારીવશ હોવાથી જયપ્રકાશની પત્ની મકાન બંધ કરીને રાધિકા ફ્લેટમાં ગયા હતા. રાતે જયપ્રકાશ પણ માતાના ઘરે જ રોકાયો હતો. બીજે દિવેસ તેઓ પોતાના ઘરે પરત આવ્યા ત્યારે જોયું તો તેમના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ચોર ટોળકી ઘરમાંથી સોનાના દાગીના અને રોકડા ૩૦ હજાર મળીને કુલ રૃપિયા ૧.૦૪ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.