રિસેપ્શનના સ્ટેજ પરથી સોનાના દાગીના અને પૈસાના કવર ભરેલા પર્સની ચોરી
નવવધૂના મમ્મી સોફા પર પર્સ મૂકીને ફોટા પડાવવા ગયા અને ગઠિયો પર્સ લઇને રફુચક્કર
વડોદરા,પાર્ટી પ્લોટમાં ચાલતા લગ્નના રિસેપ્શનના સ્ટેજ પરથી કોઇ ગઠિયો સોનાના દાગીના તેમજ પૈસા મૂકેલા કવર ભરેલું પર્સ ચોરી ગયો હતો. જે અંગે પાણીગેટ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ પૂનમ કોમ્પલેક્સ પાછળ સાંઇ વિહાર સોસાયટીમાં રહેતા હર્ષદભાઇ ગોવિંદલાલ સોની ઘડિયાળી પોળ સુદર્શન ચેમ્બરમાં ઋષિ જ્વેલર્સના નામે દુકાન ચલાવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૨૭મી એ મારી દીકરી ભૂમિના લગ્ન તેમજ રિસેપ્શનનો કાર્યક્રમ વાઘોડિયા - ડભોઇ રીંગ રોડ ગુરૃકુળ ચાર રસ્તાથી હાઇવે તરફ જતા આદિત્ય પાર્ટી પ્લોટમાં સાંજે પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધીમાં હતો. લગ્ન પૂરા થયા પછી અમે રિસેપ્શન માટે સ્ટેજ પર ગયા હતા. અમારા સગા સંબંધીઓ તરફથી દીકરી ભૂમિને કન્યા દાનમાં સોનાના દાગીના તેમજ પૈસાના કવર મારા પત્ની અંજનાબેને દ્વારકેશ લખેલા કાળા કલરના પર્સમાં મૂક્યા હતા. તે પર્સ સોફા પર મૂકીને તેઓ ફોટા પડાવવા માટે ગયા હતા. અને ફોટો પડાવીને પરત આવ્યા ત્યારે પર્સ ગાયબ હતું. પર્સમાં સોનાના દાગીના તેમજ કવરમાં આવેલા રોકડા ૩૦ હજાર હતા.