Get The App

'સંગ્રહાલય કા રાજા' વડોદરાના મ્યુઝિયમમાં 5મી સદીથી માંડી આધુનિક યુગની ગણપતિજીની પ્રતિમાઓ

Updated: Aug 30th, 2022


Google NewsGoogle News
'સંગ્રહાલય કા રાજા' વડોદરાના મ્યુઝિયમમાં 5મી સદીથી માંડી આધુનિક યુગની ગણપતિજીની પ્રતિમાઓ 1 - image


- ભારત વર્ષની પ્રાચીન શિલ્પકળાની પરિચાયક ગણપતિજીની વિવિધ કાલખંડની પ્રતિમાઓને સંરક્ષિત રાખવામાં આવી છે

 વડોદરા તા.30 ઓગષ્ટ 2022,મંગળવાર

વેદ વર્ણિત પંચ દેવતા પૈકીના એક ગણપતિ મહારાજ જીવમાત્રનું કલ્યાણ કરવા માટે ભાવિકોના આંગણે પધારી રહ્યા છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે શહેરના વિવિધ પંડાલોમાં બપ્પાના સ્થાપન થવાના છે. ત્યારે વડોદરામાં એક એવું સ્થળ છે, જ્યાં બપ્પાની પ્રાચીનત્તમ પ્રતિમાઓ સંચવાયેલી પડી છે. આ સ્થળ છે વડોદરાનું સંગ્રહાલય ! જ્યાં ગુપ્તકાળથી માંડીને આધુનિક કાળની વિવિધ ભગ્ન મૂર્તિઓ બિરાજમાન છે.

'સંગ્રહાલય કા રાજા' વડોદરાના મ્યુઝિયમમાં 5મી સદીથી માંડી આધુનિક યુગની ગણપતિજીની પ્રતિમાઓ 2 - image

ભારત વર્ષના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતા વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના પ્રવેશ દ્વારા પૂર્વે ઉદ્યાનમાં ગણપતિ બાપાની બે પ્રતિમાઓના દર્શન થાય છે. તે પૈકી મુખ્ય મૂર્તિ કાળા રેતપાષણમાંથી બનેલી છે. દક્ષિણ ભારતમાંથી મળી આવેલી આ પ્રતિમા અહીં રાખવામાં આવી છે. આ મૂર્તિ આઠમી સદીની હોવાનું માનવામાં આવે છે. એક જ પથ્થરમાંથી બનાવેલી પ્રતિમાનું પેટ ગોળાકાર અને તેના ઉપર બે સર્પો, લંબકર્ણ અને તેમાં પર્ણાકાર અલંકાર, સુંઢ ડાબી બાજુએ છે. 

ઉદ્યાનમાં તેની પાછળ પીળા રેતપથ્થરમાંથી બનેલી બપ્પાની મૂર્તિ છે. આઠમી સદીના આ મૂર્તિ રોડામાંથી મળી આવી હતી. આ મૂર્તિના ભાલે તિલક, ભગ્ન દંત, મુગુટ, મોદકનું શિલ્પકર્મ તેમાં જોવા મળે છે.

'સંગ્રહાલય કા રાજા' વડોદરાના મ્યુઝિયમમાં 5મી સદીથી માંડી આધુનિક યુગની ગણપતિજીની પ્રતિમાઓ 3 - image

મ્યુઝિયમની અંદર રહેલી નાની મોટી કુલ ચાર પ્રતિમાઓ પૈકી એક બહુ જ રસપ્રદ જોવા મળે છે. બાકીની તમામ મૂર્તિઓમાં સુંઢ ડાબી તરફ તો આ પ્રતિમામાં સુંઢ જમણી તરફ જોવા મળે છે. આ સુંઢ ભગ્નાવસ્થામાં છે. પણ તેને પ્રણવ મુદ્રામાં હોવાનું સહજ માની શકાય છે. એટલે એના સુંઢના આકારમાંથી ઓમકાર બને છે. ૧૦મી સદીના આ મૂર્તિમાં સાંગીતિક વાદ્યો સાથે યક્ષયક્ષિણીઓ પણ છે. સામાન્ય રીતે આ મૂર્તિઓ બહુ જોવા મળતી નથી. એવું માનવામાં આવે છે કે જમણી તરફ સુંઢ ધરાવતા ગણપતિ બાપાની મૂર્તિને અપૂજ રાખી શકાતી નથી. બીજી માન્યતા એવી પણ છે કે, ખંડિત મૂર્તિને પૂજી શકાતી નથી. ઉદ્યાનમાં ગણપતિ બાપ્પાના અગ્રજ ભગવાન કાર્તિકેયની પણ એક પ્રાચીન પ્રતિમા છે. 

પાંચમી સદીની એક બીજી પ્રતિમામાં ગણપતિ દાદાને અનુચર સાથે દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે બપ્પા સાથે મૂષક મહારાજ હોય છે પણ અહીં અનુચરનો ટેકો લઇ દાદા ઉભા છે. કાલા પથ્થરથી બનેલી આ પ્રતિમા અણહિલવાડ (ઉત્તર ગુજરાતના રોડા, ઇડર)થી મળી આવેલી છે. તેની જમણી ભૂજા ભગ્ન છે. તેના ઉપર સર્પ છે.

 માતા પાર્વતી સાથે બાલ ગણેશની કાળા પથ્થરની છઠ્ઠી સદીની એક સુંદર પ્રતિમા અહીં રાખવામાં આવી છે. જેમાં ગણેશ અને બાલ ગણેશની લંબાઇ એક સરખી છે. હાથમાં આયુધ અને મૂષક મહારાજ છે. આ તમામ પ્રતિમાઓ ગુજરાતના શિલ્પકળાના સુવર્ણકાળની ઝાંખી કરાવે છે. ખાસ કરીને સધરા જેસંગના માતા મિનળ દેવીના સમયકાળમાં થયેલા બાંધકામની સાક્ષી પૂરે છે. આ ઉપરાંત, એક સ્ફટિકના ગણપતિ બાપા પણ અહીં રાખવામાં આવ્યા છે. તે ગાયકવાડીકાળના હોવાનું માનવામાં આવે છે.


Google NewsGoogle News