જે.પી.સ્વામી સાથે સૌથી વધુ સંપર્કમાં રહેતા ત્રણ હરિભક્તોના નિવેદન
સ્વામીને પકડવા માટે પોલીસની અલગ - અલગ ટીમોની દોડધામ
વડોદરા,વાડી સ્વામિ નારાયણ મંદિરમાં ૧૪ વર્ષની તરૃણી પર બળાત્કાર ગુજારવાના કેસમાં સામેલ આરોપી જે.પી.સ્વામીના મોબાઇલ ફોનની ડિટેલ્સ આવી ગઇ છે. સ્વામી સાથે સૌથી વધુ સંપર્કમાં રહેતા ત્રણ હરિ ભક્તોના નિવેદન લેવામાં આવ્યા છે.
બળાત્કારના આઠ વર્ષ પછી વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગતપાવનદાસ સામે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જે.પી. સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની અલગ - અલગ ટીમો સ્વામીને પકડવા માટે કાર્યરત છે. ત્યારે સ્વામી આગોતરા જામીન માટેની કાર્યવાહી કરતા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની એક ટીમ વડતાલ પહોંચી હતી. પંરતુ, સ્વામી તે પહેલા જ ત્યાંથી રવાના થઇ ગયા હતા. પોલીસની ટીમે અલગ - અલગ સ્થળે તપાસ કરી રહી છે. પોલીસે વાડી સ્વામિ નારાયણ મંદિર તથા વડતાલ સ્વામિ નારાયણ મંદિરમાં પત્ર લખી જે.પી.સ્વામીની નિમણૂંક અને હોદ્દાની વિગતો માંગી છે. તે વિગતો આવ્યા પછી પોલીસ આગળની કાર્યવાહી કરશે.દરમિયાન પોલીસ જે.પી.સ્વામીના મોબાઇલ નંબરની ડિટેલ્સ મેળવી લીધી છે. તેના આધારે સ્વામી સાથે વડોદરાના જે લોકો સૌથી વધુ સંપર્કમાં હતા. તેઓની વર્તણૂંક પર નજર રાખવામાં આવી રહી છે.