સસ્પેન્ડ ચીફ ફાયર ઓફિસરના હુમલા સંદર્ભે વધુ ૧૦ ના નિવેદનો
બે દિવસમાં પાર્થ બ્રહ્મભટ્ટને હાજર થવા પોલીસે નોટિસ જારી કરી
વડોદરા,રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા પછી અંડર ગ્રાઉન્ડ થઇ ગયેલા ચીફ ફાયર ઓફિસરને પકડવા માટે રાવપુરા પોલીસ દોડધામ કરી રહી છે. પરંતુ, તે પકડાતો નથી. પોલીસે આ બનાવના સંદર્ભમાં આજે વધુ ૧૦ લોકોના નિવેદનો લીધા છે.
વડોદરા ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસર પાર્થ ગુરૃશરણ બ્રહ્મભટ્ટે ગત તા. ૨૯ મી એ રાતે ફાયર સૈનિક અમરસિંહ ઠાકોર પર દારૃના નશામાં હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ રાવપુરા પોલીસ પાર્થ બ્રહ્મભટ્ટને શોધી રહી છે. તેના વાઘોડિયા રોડ તથા અકોટાના ઘર પર પોલીસે નોટિસ પહોંચાડી બે દિવસમાં હાજર થવા જણાવ્યું છે. પરંતુ, હાલની સ્થિતિ જોતા પાર્થ બે દિવસમાં હાજર થાય તેવું જણાતું નથી. દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ માટે ફાયર ડિપાર્ટમેન્ટને પત્ર લખ્યો છે. પરંતુ, હજી ફૂટેજ મળ્યા નથી.
આ ગુુનામાં પુરાવા મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આજે ગુના સંબંધી વધુ ૧૦ લોકોની પૂછપરછ કરી તેઓના નિવેદનો લીધા હતા. અત્યારસુધીના નિવેદનોમાં સાક્ષીઓ બનાવને સમર્થન આપી રહ્યા છે.