ગ્રામજનોમાં ઊહાપોહ થયા બાદ ગેરકાયદે રેતીખનન કરતા માફિયાઓ પર તવાઇ,સ્ટેટની ટીમોના નારેશ્વરમાં ધામા
file photo |
વડોદરા જિલ્લામાં નર્મદા,મહીસાગર, ઓરસંગ સહિતની નદીઓમાં મોટેપાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે.જે પૈકી કેટલાક સ્થળોએ ગેરકાયદે ખનન કરવા માટે નાવડીઓમાં મોટર દ્વારા રેતી ઉલેચવામાં આવી રહી છે.આડેધડ રેતીખનનને કારણે નદીઓમાં મોટા અને ઉંડા ખાડા પડી જતા હોવાથી ડૂબવાના બનાવો પણ બની રહ્યા છે.
રેતીખનનને કારણે ડમ્પરોની સતત દોડધામ થી ગામડાંઓના અંતરિયાળ રસ્તાઓ અને ખેતીને પણ નુકસાન થઇ રહ્યું છે.જ્યારે, એક્સિડેન્ટના પણ બનાવો બની રહ્યા છે.ખુદ ભરૃચના સાંસદે પણ રેતીખનનના મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.
દરમિયાનમાં રેતીખનનમાં રોયલ્ટીની પણ ચોરી કરવામાં આવતી હોવાની આશંકાને પગલે ગાંધીનગરની ખાણ અને ખનીજ વિભાગની ટીમો દ્વારા કરજણ તાલુકામાં યાત્રાધામ નારેશ્વર અને આસપાસના સ્થળોએ રેતીના ઉભા કરાયેલા પર્વતો(સ્ટોક)નો સર્વે હાથ ધરાયો છે.આ માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી છે.એક અધિકારીએ કહ્યું હતું કે,આ સર્વે બે થી ત્રણ દિવસ ચાલશે.
યાત્રાધામ ચાંદોદ અને વડોદરાને પાણી પુરું પાડતા મહીસાગરમાં પણ ધૂમ રેતીખનન
વડોદરા જિલ્લામાં કરજણ ઉપરાંત ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે પણ મોટે પાયે રેતીખનન કરવામાં આવી રહ્યું છે. જ્યારે વડોદરાને પાણી પુરું પાડતા મહીસાગરના કુવાઓ પાસે પણ ધૂમ રેતીખનન ચાલી રહ્યું છે.તાજેતરમાં મહીસાગરમાં કોટણા ખાતે બે યુવકો ડૂબ્યા હોવાનો બનાવ પણ બન્યો હતો.જ્યારે, યાત્રાધામ ચાંદોદમાં અનેક શહેરોમાંથી વિધિ માટે આવતા લોકો અને નર્મદા પરિક્રમાવાસીઓ રેતીખનનને કારણે પડી ગેયલા ઉંડા ખાડા જોઇ દુખી થઇ રહ્યા છે.