સવાદ ક્વાટર્સમાં ચાલતા દારૃના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો
માત્ર ૧.૭ લીટર દારૃ મળ્યો : પાંચ આરોપી પકડાયા, બે વોન્ટેડ
વડોદરા,શહેરના વારસિયા વિસ્તારમાં ચાલતા દેશી દારૃના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને અડ્ડો ચલાવતા સૂત્રધાર સહિત પાંચને ઝડપી પાડયા હતા. જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે, હરણી વારસિયા રીંગ રોડ સવાદ ક્વાટર્સમાં રહેતો વિજેન્દ્ર ઉર્ફે લાલુ હરિલાલ કહાર અને તેનો ભાઇ અવિ દેશી દારૃનો અડ્ડો ચલાવે છે. જેથી, ટીમે ગઇકાલે સાંજે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો. હરણી રોડ સવાદ ક્વાટર્સમાં સંતોષી માતાના મંદિરના ચોકમાં જાહેરમાં દારૃ વેચાતો હતો. પોલીસને ૧.૭ લીટર દેશી દારૃ કિંમત રૃપિયા ૩૪ નો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી (૧) વિજેન્દ્ર કહાર (૨) નીતિન અશોકભાઇ રાજપૂત ( રહે. અક્ષરધામ સોસાયટી, વારસિયા) (૩) નિલેષ હિંમતલાલ યાદવ ( રહે. પંચમ બ્લોશમ ફ્લેટ, બનિયન સિટિ, વાઘોડિયા રોડ) (૪) દિલીપ પરદેશી સહાની તથા (૫) વિકાસ ભાદઇ સહાની ( બંને રહે. ખોડિયાર નગર, વી.આઇ.પી.રોડ) ને ઝડપી પાડયા હતા. જ્યારે અવિનાશ ઉર્ફે અવિ તથા દારૃ સપ્લાય કરનાર દુમાડના લાલા માળીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે કુલ રૃપિયા ૪૮,૪૦૪ નો મુદ્દામાલ કબજે કર્યો છે.