Get The App

ભોયાએ વડોદરા અને વલસાડમાં ખરીદેલી મિલકતોના નાણાંકીય વ્યવહારોની તપાસ શરૃ

ધનવાન થવા માટે પત્ની, પુત્ર અને પુત્રીના નામે ગેરકાયદે મિલકતો વસાવી : કૈલાસ ભોયા રિમાન્ડ પર

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ભોયાએ વડોદરા અને વલસાડમાં ખરીદેલી મિલકતોના નાણાંકીય વ્યવહારોની તપાસ શરૃ 1 - image

વડોદરા,સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલી નગર નિયોજકની કચેરીના સર્વે સર્વા ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજિયાત નિવૃત્ત કરી દેવાયેલા કે.એલ. ભોયાએ પોતાની ફરજ દરમિયાન ધનવાન થવા માટે ગેરકાયદે રીતે પત્ની, પુત્ર અને  પુત્રીના નામે મિલકતો વસાવવામાં આવી હતી.  ૧.૫૭ કરોડની આવક ગેરકાયદે મેળવી હોવાનું તપાસમાં બહાર આવતા ગુનો દાખલ થયો હતો. આ કેસની તપાસ માટે એ.સી.બી.દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

 સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી નગર નિયોજકની કચેરીના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાસભાઇ લાહનાભાઇ ભોયા (રહે.૫,નહેરુપાર્ક, ઉર્મિ ચાર રસ્તા નજીક, જેતલપુરરોડ, વડોદરા, મૂળ વતન તુતરખેડ, તા.ધરમપુર, જિલ્લો વલસાડ)એ પોતાની ફરજ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી પોતાના તેમજ આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકતો વસાવી હોવાની માહિતી બહાર આવતાં વડોદરા એ.સી.બી. દ્વારા તેમની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. 

એ.સી.બી.દ્વારા કૈલાસ ભોયાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તેઓની રજૂઆત હતી કે, કૈલાસ ભોયાએ વડોદરા, જૂનાગઢ અને સુરત ખાતે ફરજ દરમિયાન કયા કામમાં ગેરરીતિ આચરીને નિયમો વિરૃદ્ધ હુકમો કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. અન્ય અધિકારી કે સ્ટાફની સંડોવણી છે કે કેમ ? તેની તપાસ કરવાની છે. એલ.આઇ.સી. પોલીસીમાં કરેલા રોકાણ અંગે તપાસ કરવાની છે. વલસાડ ખાતે તા. ૨૬ - ૦૪ - ૨૦૧૨ ના રોજ રમીલાબેન પટેલ પાસેથી ૪.૮૦ લાખમાં જમીન ખરીદી હતી. બજાર ભાવ કરતા ઓછા કે ઉંચા ભાવે જમીન ખરીદી છે કે કેમ ? તમજ  અકોટા જેતલપુરની સીમમાં સોનલબેન મુકેશભાઇ શાહ પાસેથી ૮૮.૦૫ લાખમાં પ્લોટ લીધો હતો.  આ ઉપરાંત વલસાડના જુજવા ગામે જગનભાઇ રણછોડભાઇ પટેલી  પાસેથી ૨.૩૪ લાખમાં જમીન ખરીદી હતી. આ ઉપરાંત ખરીદેલી અન્ય મિલકતોની  પણ તપાસ કરવાની છે. આ મિલકતોની કિંમત કોને ચૂકવી હતી ? બક્ષિસ લેખથી મળેલી પ્રોપર્ટીની પણ તપાસ કરવાની છે. સરકાર તરફે વકીલ ડી.જે. નાળિયેરીવાળાએ રજૂઆતો કરી હતી. સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટના જજ આર.એસ.પ્રજાપતિએ આરોપીના આગામી ૧૬ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા  છે.


૧૭ લાખથી  પણ વધુની ચીજ વસ્તુઓના પુરાવાઓ નથી

વડોદરા,રિમાન્ડ અરજીમાં તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કૈલાસ ભોયાએ પત્નીના એકાઉન્ટમાંથી ઘણા લોકોને રૃપિયા ચૂકવ્યા છે. તે નાણાંકીય વ્યવહારોની તપાસ કરવાની છે.  આરોપીની ઘરમાં સરકારી  પંચો  રૃબરૃ જડતી કરતા ૧૭ લાખથી  પણ વધુની ચીજ વસ્તુઓ મળી છે. તે મિલકતો અંગે કોઇ પુરાવાઓ નથી. આ મિલકતો કયા માધ્યમથી ખરીદી છે. તેની તપાસ કરવાની છે. આરોપીએ પોતે તથા પોતાના પરિવારના એકાઉન્ટમાં વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૦ દરમિયાન અલગ - અલગ ખાતાઓમાં ૮ લાખ કરતા પણ વધારે રોકડ જમા કરાવી છે. તે  રૃપિયા કઇ આવકમાંથી આવ્યા છે. તેની તપાસ કરવાની બાકી છે. 


કેટલી ડ્રાફ્ટ ટીપી સ્કીમો અને ઇન્ડસ્ટ્રી  પાર્કને મંજૂરી આપી, તેની તપાસ

 વડોદરા,એ.સી.બી. દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીએ પોતાની ફરજ દરમિયાન વડોદરામાં કેટલા ઇન્ડસ્ટ્રી  પાર્કને પરવાનગી આપી છે. તેની પણ તપાસ કરવાની છે. વડોદરામાં ફરજ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશમાં કોઇ  વધારાનો ચાર્જ હતો કે કેમ ? અને ચાર્જ  હતો તો તે દરમિયાન કેટલી ડ્રાફ્ટ ટીપી સ્કીમની ફાઇલો મંજૂર કરી છે. તે અંગે પણ તપાસ કરવી જરૃરી છે. આરોપીએ અન્ય કોઇ વ્યક્તિઓને ગેરકાયદે લાભ મળે તે માટે કોઇ ફાઇનલ પ્લોટ મંજૂર કર્યા હોવાની શક્યતા છે. નિયમો વિરૃદ્ધ  મંજૂર કરેલી ફાઇલ અંગે ખાતાકીય તપાસ ચાલે છે કે કેમ ? તેની પણ તપાસ કરવાની છે.

જુદી - જુદી બેંકમાંથી લોન લઇ રિપેમેન્ટ કરી  દીધી હતી

 વડોદરા, કોર્ટમાં એવી  પણ રજૂઆત કરવામાં આવી હતી કે, કૈલાસ ભોયાએ અલગ રહેણાંક પ્લોટ તથા અન્ય હેતુસર જુદી - જુદી બેન્કોમાંથી લોન લીધી હતી. તે લોન પણ ટૂંકા ગાળામાં ભરપાઇ કરી દીધી હતી. લોન  રિપેન્ટ કયા આવકના માધ્યમથી કરી છે ?  તે અંગે તપાસ કરવાની છે. આરોપી કઇ બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો. તે અંગે કોઇ વિગતો જણાવતો નથી. તે અંગે રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરવાની  છે.


Google NewsGoogle News