એસટી ડેપો તહેવારોમાં ગઠિયાઓનું હબ બન્યું મુસાફરોના ખિસ્સા કપાવાની ઘટના યથાવત
સબ સલામતના દાવા વચ્ચે ગાંધીનગર
સરખેજ-વિજાપુરની બસમાં બેસવા જઈ રહેલા અમદાવાદના યુવાનનું ખિસ્સુ કાપીને ગઠિયો પલાયન થઈ ગયોથપોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ
ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગર એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે અમદાવાદનો યુવાન સરખેજ વિજાપુરની બસમાં બેસવા જઈ રહ્યો હતો તે દરમિયાન ગઠિયાએ તેના ખિસ્સામાંથી મોબાઈલ અને રૃપિયા ચોરી લીધા હતા. આ ઘટનાને પગલે સીસીટીવીમાં તપાસ કરવા છતાં પણ ગઠિયો મળી આવ્યો ન હતો. જેથી હવે ડેપોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ થઇ રહી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓની નવાઈ
નથી પરંતુ પોલીસ તંત્ર સબ સલામતના દાવાઓ ફૂંકી રહ્યું છે. આ સ્થિતિમાં ગાંધીનગરમાં
જ એસટી ડેપો જાણે ગઠિયાઓનું હોમ ગ્રાઉન્ડ બની હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ
રહ્યું છે. આંતરે દિવસે મુસાફરોના કીમતી માલ સામાનની સાથે પાકીટ ચોરાવાની ઘટના બની
રહી છે. બે દિવસ અગાઉ બે મુસાફરોના મોબાઇલ અને રોકડની ચોરી થવા પામી હતી ત્યારે
અમદાવાદના વધુ એક મુસાફરના ખીસ્સામાંથી મોબાઈલ અને રૃપિયા ચોરાયા છે. અમદાવાદના
સરખેજ ખાતે રહેતો યુવાન બસમાં બેસીને વિજાપુર જઈ રહ્યો હતો તે દરમિયાન ગાંધીનગર
એસટી ડેપોમાં કામ અર્થે બસમાંથી નીચે ઉતર્યો હતો. તે સમયે ગઠીયાએ તેના ખિસ્સામાંથી
રૃપિયા અને મોબાઈલ સેરવી લીધા હતા. યુવાન બસમાં બેઠો તેના પછી તેને ચોરી થઇ હોવાનો
અંદાજ આવી ગયો હતો. જેથી બસમાંથી નીચે ઉતરીને ગઠીયાની શોધખોળ કરી હતી પરંતુ તે
હાથમાં આવ્યો ન હતો. ડેપોમાં વધી રહેલી ચોરીની ઘટનાને પગલે હવે અહીં એ પોલીસ
પેટ્રોલિંગ વધારવું જોઈએ તેમ લાગી રહ્યું છે. દિવાળી તહેવારો દરમિયાન મુસાફરો ના
માલ સામાનની રખેવાળી માટે અગાઉથી જ એક્શન પ્લાન તૈયાર કરવાની જરૃરિયાત લાગી રહી
હતી પરંતુ તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તેના કારણે ડેપો
ગઠીયાઓનું હબ બની ગયું છે.