Get The App

વડોદરામાં આડેધડ અને ધારાધોરણ વિના બનાવેલા સ્પીડ બ્રેકર એક સરખા કરવાની કામગીરી શરૂ

Updated: Nov 9th, 2021


Google NewsGoogle News
વડોદરામાં આડેધડ અને ધારાધોરણ વિના બનાવેલા સ્પીડ બ્રેકર એક સરખા કરવાની કામગીરી શરૂ 1 - image


- એક સરખી ઊંચાઈ અને લંબાઈ ધરાવતા સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી એકાદ મહિના સુધી ચાલશે

વડોદરા, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર આડેધડ, ચોક્કસ માપ અને ધારાધોરણ વિના ઉતાવળમાં બનાવેલા સ્પીડ બ્રેકરોને એક સમાન અને સરખા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એકાદ મહિનાની કામગીરીના અંતે સ્પીડ બ્રેકર એક સરખી ઊંચાઈ અને ધારાધોરણ સાથેના બની જશે તેમ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું છે.

શહેરના ચાર ઝોનમાં આશરે 1000 સ્પીડ બ્રેકર હોવાની ગણતરી છે. હાલમાં પૂર્વ ઝોનમાં આ અંગેની કામગીરી ચાલુ છે. પૂર્વ ઝોનમાં 250 સ્પીડ બ્રેકર માંથી અંદાજે 112 સ્પીડ બ્રેકરનું કામ પૂર્ણ થઈ ગયું છે. શહેરમાં જે માર્ગો પર ટ્રાફિક વધુ રહેતો હોય અને વાહનો બેરોકટોક પુરઝડપે પસાર થતા હોય ત્યાં માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને ગતિમર્યાદા રાખવા સ્પીડબ્રેકર બનાવવામાં આવ્યા છે, પરંતુ તેનું કોઈ ચોક્કસ માપ કે ડિઝાઇન નથી. ઘણા સ્થળે સ્પીડ બ્રેકર ખૂબ ઊંચા, ટૂંકા છે. જેના લીધે તેના પરથી પસાર થતાં વાહનચાલકોના વાહનો પણ જર્ક સાથે પછડાય છે. 

વડોદરામાં આડેધડ અને ધારાધોરણ વિના બનાવેલા સ્પીડ બ્રેકર એક સરખા કરવાની કામગીરી શરૂ 2 - image

સ્પીડ બ્રેકર ને લીધે ટુ વ્હીલરોના ચાલકો ગતિ મર્યાદાને નજરઅંદાજ કરી ઝડપથી પસાર થાય છે, ત્યારે જોરદાર જર્ક બાદ કમરના દુખાવાની ફરિયાદ કરે છે. ઘણીવાર સ્પીડ બ્રેકર ને લીધે અકસ્માતના બનાવો બન્યા છે. સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા ચીતરેલા નહીં હોવાથી રાત્રે અંધારામાં વાહનચાલકો નીચે પટકાયા છે. આવા બનાવો ન બને તે માટે શહેરમાં એક સમાન ધારાધોરણ ધરાવતા સ્પીડ બ્રેકર રાખવાનું નક્કી કરાયું છે. 

સ્પીડ બ્રેકર સામાન્ય રીતે ત્રણ મીટર લાંબા અને 9 ઈંચની ઉંચાઈ ધરાવતા હોવા જોઇએ. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષનું કહેવું છે કે શહેરના 40 મીટરના, 36 મીટરના, 24 ,18 અને 12 મીટરની પહોળાઈ ધરાવતા રોડ પરના સ્પીડ બ્રેકરની ડિઝાઇન એક સમાન રહે તે માટે કામગીરી કરવાનું અનુભવે જણાયું છે.

ઘણા લોકોએ અન ઈવન સ્પીડ બ્રેકર મુદ્દે આરટીઆઇ કરીને જવાબ માગ્યા છે. ગોરવાથી વાઘોડિયા રોજ આવજા કરતા એક વાહન ચાલકે અગાઉ રોડ પરના આડેધડ સ્પીડ બ્રેકર મુદ્દે રજૂઆત કરી હતી. કોરોના કારમાં એમ્બ્યુલન્સને આવર જવર કરવામાં સરળતા રહે તે માટે સરદાર એસ્ટેટ થી એરપોર્ટ રોડ પરના 6 સ્પીડ બ્રેકર હટાવી દેવાયા હતા.


Google NewsGoogle News