એમ.એસ.યુનિ.માં પહેલી વખત પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થીઓની વિશેષ ટ્રેનિંગ શરુ કરાઈ

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
એમ.એસ.યુનિ.માં પહેલી વખત પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થીઓની વિશેષ ટ્રેનિંગ શરુ કરાઈ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીએ હેલ્પ ધ બ્લાઈન્ડ ફાઉન્ડેશનની મદદથી પહેલી વખત પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થીઓ માટે બે વર્ષનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કર્યો છે.જેના ભાગરુપે આજે આ પ્રોગ્રામમાં અભ્યાસ કરી રહેલા ૧૨ વિદ્યાર્થીઓને લેપટોપનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ પ્રોગ્રામના કો ઓર્ડિનેટર અને આર્ટસ ફેકલ્ટીના હિન્દી વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.અનિતા શુક્લાનુ કહેવુ છે કે, કદાચ ગુજરાતમાં આ પ્રકારનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવાની પહેલ એમ.એસ.યુનિવર્સિટીએ જ કરી છે.આ માટે મદદ કરી રહેલી હેલ્પ ધ બ્લાઈન્ડ ફાઉન્ડેશન એક વૈશ્વિક સંસ્થા છે.

તેમના કહેવા પ્રમાણે ટ્રેનિંગ પ્રોગ્રામમાં એમ.એસ.યુનિવર્સિટીના ૧૧ અને આણંદના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.આ તમામ વિદ્યાર્થીઓ પહેલા કે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે.બે વર્ષના  પ્રોગ્રામમાં તેમને કોમ્યુનિકેશન સ્કિલ, લેપટોપ અને બીજા ઈક્વિપમેન્ટ  ઓપરેટ કરવાનુ અને તેઓ કોઈની પણ મદદ વગર સ્વતંત્ર રીતે હરી ફરી શકે તે માટેની તાલીમ આપવામાં આવશે.બે વર્ષની ટ્રેનિંગ પૂરી થતા સુધીમાં વિદ્યાર્થીઓ રોજગાર મેળવી શકે તે રીતે તેમને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.ટ્રેનિંગની શરુઆત નવેમ્બર મહિનાથી થઈ છે.અત્યાર સુધીના પ્રોગ્રામમાં જેમની ૭૫ ટકા હાજરી હોય તેવા ૧૨ વિદ્યાર્થીઓને આજે કલેકટર અતુલ ગોર અને વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવની હાજરીમાં લેપટોપનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

બે વર્ષ બાદ ફરી નવેસરથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થીઓની નવી બેચને પણ આ જ પ્રકારે પ્રશિક્ષણ આપવામાં આવશે તેમ તેમનુ કહેવુ હતુ.



Google NewsGoogle News