શિક્ષણ સમિતિની સ્કૂલોમાં દિવ્યાંગ બાળકો માટે વિશેષ પ્રકારના ૧૮ રિસોર્સ રુમ બનાવાશે
વડોદરાઃ વડોદરા કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક સ્કૂલોમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ૧૮ રિસોર્સ રુમ શરુ કરવામાં આવશે.
આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે વીર સાવરકર પ્રાથમિક સ્કૂલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ઉપરોક્ત જાહેરાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડયા દ્વારા કરવામાં આવી હતી.
મળતી વિગતો પ્રમાણે હાલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નવ રિસોર્સ રુમ કાર્યરત છે અને તેમાં બીજા નવ રિસોર્સ રુમનો ઉમેરો કરવામાં આવશે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો ૧૮ ક્લસ્ટરમાં વહેંચાયેલી છે.નવા ૯ રિસોર્સ રુમ કાર્યરત થયા બાદ દિવ્યાંગ બાળકો માટે દરેક ક્લસ્ટર દીઠ એક રિસોર્સ રુમ હશે.
જેમાં દિવ્યાંગ બાળકોને તેમની શારીરિક મર્યાદાઓ અને જરુરિયાતને ધ્યાનમાં રાખીને સપ્તાહના બે દિવસ તેમને રિસોર્સ રુમમાં વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવશે.જેથી તેઓ રોજીંદા જીવનમાં સામાન્ય વિદ્યાર્થીઓથી પાછળ ના રહી જાય.બાકીના દિવસોમાં તેઓ સ્કૂલોમાં બીજા બાળકો સાથે અભ્યાસ કરશે.શિક્ષણ સમિતિના ૧૯ શિક્ષકોને દિવ્યાંગ બાળકોને એક્ટિવિટી કરાવવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિની સ્કૂલોમાં કુલ મળીને ૮૯૪ બાળકો અભ્યાસ કરે છે અને આ તમામ બાળકોને રિસોર્સ રુમની સુવિધાનો લાભ આપવામાં આવશે.નવા રિસોર્સ રુમ તૈયાર થયા બાદ તેને દિવ્યાંગ બાળકો માટે જરુરી તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પણ કરવામાં આવશે.