લોકસભાની ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં સુધારા વધારા માટે તા.૩ના રોજ ખાસ ઝુંબેશ
શહેરના ૧૩૮૫ અને ગ્રામ્ય વિસ્તારના ૧૧૬૬ મતદાન મથકો પર કાર્યવાહી થશે
વડોદરા,લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા.૩ ડિસેમ્બરને રવિવારે ખાસ ઝૂંબેશ યોજાશે.
મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંર્ગત તા.૩ના રોજ શહેરના ૧૩૮૫ અને ગ્રામ્યના ૧૧૬૬ સહિત જિલ્લાના કુલ ૨૫૫૧ તમામ મતદાન મથકો પર સવારે ૧૦ થી સાંજે પાંચ વાગ્યા દરમિયાન મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. સાથે જ મતદાર યદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે. ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૃ કરવામાં આવી છે.