વડોદરામાં ટેલરિંગ કરનારના, ટેમ્પો ડ્રાઈવરના અને રબર સ્ટેમ્પ બનાવનારના સંતાનોએ કઠીન ગણાતી CMA પરીક્ષા પાસ કરી
વડોદરા,તા.22 માર્ચ 2023,બુધવાર
સીએ અને સીએસ જેવી જ કઠીન ગણાતી સીએમએ(કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ)ની પરીક્ષાનુ પરિણામ મંગળવારે મોડી સાંજે જાહેર કરાયુ હતુ.
વડોદરાના સીએમએ ચેપ્ટરના કહેવા અનુસાર વડોદરાના આઠ વિદ્યાર્થીઓએ સીએમએની ડિગ્રી મેળવી છે. તેમાં પણ આર્થિક રીતે સાધારણ ગણાય તેવા પરિવારના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. જેમ કે છુટક કામ કરતા ટેલરના પુત્રે આખા ભારતમાં નવમો ક્રમ મેળવ્યો છે તો રબર સ્ટેમ્પ બનાવતા અને ટેમ્પો ચલાવતા ડ્રાઈવરના સંતાનોએ પણ સીએમએની ડિગ્રી મેળવી છે.
- ભાડાના ઘરમાં રહું છું, પોતાનુ ઘર લેવાનુ સપનુ છે
આખા ભારતમાં નવમો ક્રમ અને વડોદરામાં પહેલો ક્રમ મેળવનાર જય ચૌહાણના પિતા ટેલર છે અને છુટક કામ કરે છે. જય ચૌહાણે કહ્યુ હતુ કે, અમે ભાડાના ઘરમાં રહીએ છે અને મારૂ સપનુ પોતાનુ મકાન ખરીદવાનુ છે. સીએમએ ઈન્ટરમાં પણ આખા ભારતમાં મારો નવમો રેન્ક હતો. આ પહેલા મેં બીકોમ અને એમકોમ ડિસ્ટિંક્શન સાથે પાસ કર્યુ હતુ. એમકોમ કર્યા બાદ ઘરમાં મદદ કરી શકુ તે માટે મેં લગભગ ત્રણ વર્ષ નોકરી કરી હતી.
જયના જણાવ્યા પ્રમાણે સીએમએ માટે મેં તૈયારી શરૂ કરી ત્યારે મને નોકરીના કારણે વાંચવા માટે ઓછો સમય મળતો હતો. આથી મારા પિતાએ મને કહ્યુ હતુ કે, તું નોકરી છોડીને ભણવામાં ધ્યાન આપ. હું થોડુ વધારે કામ કરી લઈશ. મને આનંદ છે કે, ઈન્ટરમાં જે પરિણામ આવ્યુ હતુ તે મેં જાળવી રાખ્યુ છે.
- આર્થિક સ્થિતિના કારણે કોચિંગ ક્લાસ કરવા પોસાય તેમ નહોતા
વડોદરામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર મુનિર ખતરી શહેરના ગેંડીગેટ વિસ્તારમાં રહે છે.તેના પિતા રબર સ્ટેમ્પ બનાવવાનુ કામ કરે છે.મુનિરે કહ્યુ હતુ કે,મારી બહેન સીએ ફાઈનલમાં ભણી રહી છે અને તેમાંથી મેં આગળ ભણવાની પ્રેરણા લીધી હતી.આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહીં હોવાથી કોચિંગ ક્લાસીસ પોસાય તેમ નહોતા. એટલે સીએમએ માટે જાતે જ તૈયારી કરી હતી. મારો એલએલબીનો અભ્યાસ પણ પૂરો થવા આવ્યો છે.મારૂ સપનુ એમબીએ કરવાનુ છે.જે હવે હું નોકરી કરતા કરતા પુરૂ કરવા માંગુ છું.
- એક જ રૂમના ઘરમાં પરીક્ષાની તૈયારી કરી
સીએમએની ડિગ્રી મેળનાર અન્ય એક વિદ્યાર્થી વિવેક રાઠોડ શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક રૂમના ઘરમાં રહે છે.વિવેકના પિતા ટેમ્પો ડ્રાઈવર છે.ઘરમાં આવકનુ બીજુ કોઈ સાધન નથી. વિવેકનુ કહેવુ છે કે, હું એક જ રૂમના ઘરમાં રહીને બીકોમ અને એમકોમ વિથ ડિસ્ટિંક્શન થયો હતો. સીએમએની તૈયારી પણ એક રૂમમાં જ રહીને કરી હતી.મારા કઝિને મને જોકે અભ્યાસ માટે ખાસી મદદ કરી હતી. એક તબક્કે મને એવુ પણ થયુ હતુ કે, પરિવારને મદદ કરવા ભણવાનુ છોડી દઉં પણ તે વખતે મારા માતા પિતાએ મને હિંમત આપી હતી. સીએમએની ડિગ્રી મળી છે ત્યારે હવે કોઈ સારી કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા છે. જેથી પરિવારને સારી રીતે સેટલ કરી શકું.