વારસિયા રીંગ રોડ પરની સોસાયટીમાં સગી જનેતાને મોતને ઘાટ ઉતારતો પુત્ર
પોલીસ ઘરે પહોંચી ત્યારે માતાની લાશ ઘરમાં જ હતી અને પુત્ર પણ હાજર હોવાથી ઝડપી લીધો
મેં મારી માતાને મુક્ત કરી દીધી છે.....
વડોદરા,વારસિયા રીંગ રોડ પરની સોસાયટીમાં સગી જનેતાને તેના પુત્રે જ મોતને ઘાટ ઉતારી મૃતદેહ ઘરમાં જ મૂકી રાખ્યો હતો. આ અંગે વારસિયા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને પુત્ર સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વારસિયા રીંગ રોડ પર દયાલ નગર પાસે રાધેશ્યામ પાર્કમાં કમલારાની કૃષ્ણ મોહન અરોરા (ઉ.વ.૭૦) તેઓના ૪૦ વર્ષના પુત્ર હિમાંશુ સાથે રહેતા હતા. તેઓ ઘરમાં જ ઓમ સાંઇરામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવે છે. આજે બપોરે વારસિયા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.ને દિલ્હીથી મોહિત ખુરાણાએ કોલ કરીને જાણ કરી હતી કે, એક રાધેશ્યામ પાર્કમાં રહેતા મારા બુવાને તેમના દીકરાએ માર માર્યો છે. તમે સ્થળ પર પહોંચો. જેથી, પી.એસ.ઓ. દ્વારા પી.સી.આર.વાનને જાણ કરવામાં આવી હતી. પી.સી.આર.વાનના સ્ટાફે ઉપરોક્ત સ્થળે પહોંચ્યો હતો. મકાનના આગળના ભાગે દુકાન હતી. જે દુકાનના શટર તથા જાળીને આગળથી લોક માર્યા હતા. જેથી, પોલીસે દાદર વડે ઉપર જઇને તપાસ કરતા ગેલેરીમાં દરવાજાને અંદરથી તાળું મારેલું હતું. અંદર ઉભેલા યુવકને લોક ખોલવાનું કહેતા તેણે લોક ખોલ્યું હતું. તેણે પોતાનું નામ હિમાંશુ જણાવી માતાની હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. તપાસ કરતા ઘરમાં મહિલાની લાશ હતી. તેઓના માથામાં ઇજાના નિશાન હતા. મર્ડરની શક્યતા જણાતા સ્ટાફે પી.આઇ. ને જાણ કરતા ઇન્ચાર્જ પી.આઇ. વાય.એમ.મિશ્રા સ્થળ પર દોડી ગયા હતા. એ.સી.પી. એમ.પી. ભોજાણીને પણ જાણ કરવામાં આવતા તેઓ પહોંચી ગયા હતા. મરનાર મહિલાનું નામ કમલારાની હોવાનું જણાયું હતું. જેથી, પોલીસ હિમાંશુને પકડીને વારસિયા પોલીસ સ્ટેશન લઇ આવી હતી. પોલીસે સરકાર તરફે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે પુત્રને હત્યાનું કારણ પૂછતા તેણે એક જ વાતનું રટણ કર્યુ હતું કે, મેં મારી માતાને મુક્ત કરી દીધી છે. જોકે, આ કારણ ગળે ઉતરે તેમ નહીં હોવાથી પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
૩૬ કલાક પહેલા હત્યા થઇ હોવાની શક્યતા
વડોદરા, મરનાર મહિલા કમલારાનીના અન્ય સગાઓ મુંબઇ રહેતા હોવાથી પોલીસે તેઓની લાશ કોલ્ડરૃમમાં મૂકાવી હતી. પોલીસ દ્વારા હત્યારા પુત્રની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી છે. મહિલાની લાશ જોતા મર્ડર ૩૬ કલાક પહેલા જ થયું હોવાનું જણાઇ આવે છે. પોલીસે ઘટના સ્થળે એફ.એસ.એલ.ના અધિકારીને પણ તપાસ માટે બોલાવ્યા હતા. જોકે, આવતીકાલે પી.એમ. થયા પછી જ હત્યાનો સાચો સમય જાણી શકાશે. તેમજ આવતીકાલે મરનારની મુંબઇ રહેતી પુત્રીના આવ્યા પછી પણ ઝઘડાનું કારણ જાણી શકાશે.
માતાની હત્યા કરવા માટે વપરાયેલો સળિયો કબજે
વડોદરા,હત્યારા પુત્રે માતાની હત્યા માથામાં લોખંડના સળિયાના ઉપરાછાપરી ઘા ઝીંકીને કરી હતી. તે સળિયો પણ પોલીસને ઘટના સ્થળેથી જ મળી આવ્યો હતો. પોલીસે તે સળિયો કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં, પોલીસે આરોપીના મોબાઇલ ફોનની પણ તપાસ હાથ ધરી છે. મર્ડર ૩૬ કલાક પહેલા થયું હોય તો આટલો સમય તેણે શું કર્યુ ?કોની જોડે વાત કરી ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
મેં સળિયાથી માર મારી તેમજ દિવાલમાં માથું અફાળ્યું હતું ઃ પુત્ર
વડોદરા,હિમાંશુએ પોતાના પિતરાઇ ભાઇ મોહિતને ફોન પર માતાને માર માર્યો હોવાના ફોટા પણ મોકલ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા દુકાનના પાર્ટિશનના અંદરના દરવાજા પાસે કોમલરાનનનો મૃતદેહ પડયો હતો. તેઓના મોંઢાના ભાગે લોહી સૂકાઇ ગયું હતું. બંને હાથ પગ વાંકા વળેલા હતા. દિવાલ પર લોહીના ડાઘ પણ હતા. જેના સેમ્પલ લઇને ચકાસણી હાથ ધરાવી છે. હિમાંશુએ પોલીસને જણાવ્યું હતું કે, મેં મારી માતાને સળિયા વડે તેમજ ગડદાપાટુનો માર મારી દિવાલમાં માથું અફાળી મોતને ઘાટ ઉતારી છે.