ઉત્તર ભારતમાં હવાના પ્રદૂષણનો ઉકેલ નજીકના ભવિષ્યમાં તો દેખાતો નથી
વડોદરાઃ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શિયાળામાં સર્જાતા હવાના પ્રદૂષણની સમસ્યાનો નજીકના ભવિષ્યમાં તો કોઈ ઉકેલ દેખાતો નથી તેમ દેશની પર્યાવરણ ક્ષેત્રની પ્રમુખ સંસ્થા નીરી( નેશનલ એન્વાર્યમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટયુટ)ના મુખ્ય વૈજ્ઞાાનિક પ્રો. કે વી જ્યોર્જનુ કહેવુ હતુ.
પ્રો.જ્યોર્જ આજે એમ.એસ.યુનિવર્સિટીના એન્વાર્યમેન્ટ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ સમક્ષ વકતવ્ય આપવા માટે આવ્યા હતા.એન્ટાર્ટિકા ખાતે તેમજ દેશમાં સંખ્યાબંધ એન્વાર્યમેન્ટ પ્રોજેકટ પર કામ કરનારા પ્રો.જ્યોર્જે કહ્યુ હતુ કે, શિયાળામાં ઉત્તર ભારતમાં હવાનુ પ્રદૂષણ વધી જતુ હોય છે અને તેના માટે એક કરતા વધારે કારણો જવાબદાર છે.ઉત્તર ભારતનુ ભૌગોલિક સ્થાન એવુ છે કે શિયાળામાં અહીંયા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે.જેના કારણે ધરતી ગરમ થતી નથી અને વાતાવરણમાં પ્રદુષણ બહુ ઉપર સુધી જઈ શકતુ નથી.
તેમનુ કહેવુ હતુ કે, પ્રદૂષણ માટે સૌથી વધુ જવાબદાર વાહનો છે.દિલ્હીથી લઈને પંજાબ સુધીના સમગ્ર વિસ્તારનુ શહેરીકરણ થઈ ચુકયુ છે.ઉદ્યોગો પુષ્કળ પ્રમાણમાં છે.દિલ્હીમાં કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ કરતા વધારે ગાડીઓ છે.ખેડૂતો પરાળી સળગાવે છે તેના કારણે પણ પ્રદૂષણ સર્જાય છે પણ જે રીતે નજીકના ભવિષ્યમાં તમામ લોકો ઈલેક્ટ્રિક વાહન વસાવવાના નથી તે જ રીતે ખેડૂતો પણ પરાળી સળગાવવાનુ બંધ નહીં કરે.કારણકે પરાળીનો નાશ કરવા માટે તેમની પાસે પૂરતા મશિનો નથી.ઉપરાંત પરાળી સળગાવવાથી કાર્બન જમીનમાં ભળે છે તેમજ ખેતરમાં રહેલા જીવ જંતુઓનો નાશ થાય છે.બંને બાબતો ખેડૂતોને ખેતીમાં ફાયદો કરે છે.
પ્રો.જ્યોર્જનુ કહેવુ છે કે, અત્યારના સંજોગો જોતા નજીકના ભવિષ્યમાં તો ઉત્તર ભારતના પ્રદૂષણનો ઉકેલ આવે તેમ નથી.લાંબા ગાળે લોકો પોતાની જીવન શૈલી બદલે અને વાહનો પર પ્રતિબંધ મુકવા જેવા પગલા લેવાય તો એર પોલ્યુશન ઘટી શકે છે.