નર્મદા કેનાલો પર સોલર પેનલ લગાવી ૨૯.૫૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન
વડોદરાઃ વડોદરા જિલ્લામાં સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી નર્મદાની કેનાલો ઉપર લગાવાયેલી સોલર પેનલ થકી અત્યાર સુધીમાં ૨૯.૫૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર નિગમ દ્વારા વર્ષ ૨૦૧૫માં સમા કેનાલ ખાતે ૩.૬ કિમી લંબાઇમાં ૩૩૮૧૬ સોલર પેનલ મૂકવામાં આવી છે. કેનાલથી ૨૨ મીટર ઉંચે ૧૬૦૦ ટનના મોડયુલિંગ સ્ટ્રક્ચર સાથે ૧૪ ઇન્વર્ટર તથા બે ટ્રાન્ફોર્મર પણ મૂકવામાં આવ્યા છે. અહીંયા એક દાયકામાં ૪.૨૩ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.
નિમેટા પાસે કેનાલ ઉપર સૌથી વધું ચાર કિલોમીટર લંબાઈમાં સોલર પેનલ ઈન્સ્ટોલ કરાઈ છે. છે. ૧૦ મેગા વોટના આ પ્લાન્ટમાં ૧૬૨૩ ટન લોખંડના સ્ટ્રક્ચર ઉપર ૩૩૦૮૦ સોલર પેનલ બેસાડવામાં આવી છે. સરદાર સરોવર નિગમ દ્વારા કેનાલ પાસે પડતર રહેતી જમીનમાં પણ પણ પાંચ મેગા વોટની ક્ષમતા ધરાવતા સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ માટે ૧૫૮૭૪ સોલર મૂકવામાં આવી છે. જે સ્થિતિસ્થાપક છે. એટલે કે, સૂર્યપ્રકાશ પ્રમાણે તેને ફેરવી શકાય છે. આ બન્ને પ્લાન્ટ વર્ષ ૨૦૧૭થી કાર્યરત છે. જેના થકી અત્યાર સુધીમાં કુલ ૧૫.૯૭ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
વાઘોડિયા તાલુકાના રવાલ પાસેથી પસાર થતી શાખા નહેરના કાંઠા ઉપર પણ ૨૦૧૭માં ૩૩૬૦૦ પેનલ સાથે ૧૦ મેગાવોટ ક્ષમતાનો સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો.અહીં ૧૦ ઇન્વર્ટર, ૨ ટ્રાન્ફોર્મર પણ રાખવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૭થી કાર્યરત આ પ્લાન્ટમાંથી ૯.૩૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.