Get The App

આઠ મહિનામાં ગુજરાતમાં 2.24 લાખ ઘરો પર સોલર પેનલો લાગી

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
આઠ મહિનામાં ગુજરાતમાં 2.24 લાખ ઘરો પર સોલર પેનલો લાગી 1 - image

વડોદરાઃ ઘરો પર સોલર પેનલો લગાવવા માટે ફેબુ્રઆરી મહિનામાં લોન્ચ કરાયેલી પીએમ સૂર્યઘર યોજનામાં ગુજરાતમાં છેલ્લા આઠ મહિનામાં ૨.૨૪ લાખ ઘરો પર ૮૩૪ મેગાવોટ ક્ષમતાની સોલર પેનલો લાગી છે.જેમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના ૩૫૦૦૦  ઘરોનો પણ સમાવેશ થાય છે.

મળતી વિગતો પ્રમાણે પીએમ સૂર્યઘર સોલર સ્કીમમાં ગુજરાત તમામ રાજ્યોમાં નંબર વન રહ્યું છે.બીજા ક્રમે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે રાજસ્થાન, ચોથા ક્રમે કેરાલા અને પાંચમા ક્રમે તામિલનાડુ છે.

પીએમ સૂર્ય ઘર યોજનામાં ૨ કિલોવોટ સુધીની ક્ષમતાની સોલર પેનલો લગાવવા માટે ૩૦૦૦૦ રુપિયા, ૩ કિલોવોટ સુધીની ક્ષમતાની સોલર પેનલ લગાવવા માટે ૪૮૦૦૦  રુપિયા તેમજ ત્રણ કિલોવોટ કે તેથી ઉપરની પેનલ લગાવવા માટે ૭૮૦૦૦  રુપિયાની સબસિડી આપવામાં આવે છે.

આ યોજના લોન્ચ થયા બાદ ગુજરાતમાંથી ૧૨  લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ પૈકી ૩.૧૪ લાખ લોકોએ યોજના માટે અરજી કરેલી છે.જેમાંથી ૨.૨૫ લાખ ઘરો પર સોલર પેનલો લાગી ચૂકી છે.મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ૧૨ લાખ પૈકી ૧.૯૦ લાખ રજિસ્ટ્રેશન મધ્ય ગુજરાતમાંથી થયા હતા અને તેમાંથી ૫૩૦૦૦ લોકોએ સોલર પેનલો લગાવવા અરજી કરી હતી.આ પૈકી ૩૫૦૦૦ ઘરો પર પેનલો લગાવવામાં આવી છે.

ગુજરાતમાં કુલ ૭.૪૬ લાખ ઘરો પર સોલર પેનલો ઈન્સ્ટોલ થઈ 

પીએમ સૂર્યઘર યોજના લોન્ચ થઈ તે પહેલા ૨૦૧૯થી ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની યોજનાને અમલમાં મૂકવામાં આવી હતી અને તેના ભાગરુપે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫.૨૧ લાખ ઘરો પર ૨૦૭૩ મેગાવોટ ક્ષમતાની સોલર પેનલો લાગી હતી.આ માટે ગુજરાત સરકારે લોકોને ૩૦૦૦ કરોડ રુપિયાની સબસિડી ચૂકવી હતી.આ બંને યોજનાઓનો સરવાળો કરવામાં આવે તો ગુજરાતમાં કુલ ૭.૪૬ લાખ ઘરો પર રુફ ટોપ સોલર પેનલો ઈન્સ્ટોલ થઈ ચૂકી છે.જે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.

સરદાર સરોવર ડેમના પાવર પ્લાન્ટ કરતા બમણી ક્ષમતા

ગુજરાતમાં રુફ ટોપ સોલર પેનલોની કુલ વીજ ક્ષમતા ૨૮૦૦ મેગાવોટ જેટલી થાય છે.સરદાર સરોવર ડેમ પરના હાઈડ્રો પાવર પ્લાન્ટની કુલ ક્ષમતા ૧૪૫૦ મેગાવોટ જેટલી છે.ચોમાસા દરમિયાના આ પ્લાન્ટ કાર્યરત રહે છે.તેની સામે બે હાઈડ્રો પાવર પ્લાન્ટ જેટલી વીજ ક્ષમતા રુફ ટોપ સોલર પેનલો થકી ઉમેરાઈ છે.

રુફ ટોપ સોલર પેનલ થકી ઉત્પન્ન થતી 

વધારાની વીજળીના પૈસા લોકોને ચૂકવવામાં ધાંધિયા 

વર્ષમાં બે વખત ચોક્કસ મહિનામાં ગ્રાહકોના એકાઉન્ટમાં પૈસા જમા થાય તેવી સિસ્ટમ લાગુ કરવાની જરુર 

લોકોનું માનવું છે કે, હવે જ્યારે ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં રુફ ટોપ સોલર પેનલો લાગી છે ત્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમે લોકોને આ સોલર પેનલો થકી  જનરેટ થતી વધારાની વીજળીના પૈસા ચૂકવવા માટેની એક ચોક્કસ સિસ્ટમ બનાવવી જોઈએ.જે લોકો રુફ ટોપ સોલર પેનલો લગાવી ચૂકયા છે તેમનો  કુલ વીજ વપરાશ કરતા સોલર પેનલો થકી પેદા થતી વીજળી વધારે હોય તો તફાવતના નાણા ચૂકવવામાં આવે છે.જોકે આ રકમ બેન્ક એકાઉન્ટમાં જમા થવામાં વિલંબ થતો હોવાની વ્યાપક ફરિયાદો છે.સત્તાધીશો ઈચ્છે ત્યારે આ રકમ જમા કરે છે.તેની જગ્યાએ વીજ કંપનીએ જાહેરાત કરવી જોઈએ કે, વર્ષમાં બે ચોક્કસ મહિના એવા હશે કે જે દરમિયાન તફાવતની રકમ બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જશે.ઉપરાંત રકમ જમા થાય તો તેની જાણ કરતો એસએમએસ પણ ગ્રાહકને મળવો જોઈએ.આ પ્રકારનો મેસેજ ઈન્કમટેક્સ વિભાગ રિફંડ આપતી વખતે ગ્રાહકને મોકલે છે.વીજ બિલ ભરવા માટે વીજ કંપની ૧૦ દિવસથી વધારે સમય આપતી નથી તો ગ્રાહકને તેના સોલર ઈલેક્ટ્રિસિટી જનરેશનના પૈસા પણ સમયસર મળવા જોઈએ તેવી ગ્રાહકોની લાગણી પણ વ્યાજબી છે.


Google NewsGoogle News