Get The App

સોખડા હરિધામ વિવાદ : પ્રેમસ્વરૃપ જૂથની અરજીને ન્યુ જર્સીની કોર્ટેે નામંજૂર કરી

અમેરિકાના ટ્રસ્ટમાં કસ્ટોડિયનની નિમણૂક માટે અરજી કરી હતી

Updated: Sep 1st, 2022

GS TEAM


Google News
Google News
સોખડા હરિધામ વિવાદ : પ્રેમસ્વરૃપ જૂથની અરજીને ન્યુ જર્સીની કોર્ટેે નામંજૂર કરી 1 - image
ન્યુ જર્સી કોર્ટની તસવીર

વડોદરા : યોગી ડિવાઇન સોસાયટી યુએસએના ટ્રસ્ટમાં પ્રબોધ સ્વામી જૂથનો દબદબો હોવાથી આ ટ્રસ્ટને ખારીજ કરીને કસ્ટોડિયન મુકવા માટે પ્રેમસ્વરૃપ જૂથના ટ્રસ્ટીએ ન્યુ જર્સીની કોર્ટમાં કરેલી અરજી કોર્ટે એમ કહીને બરતરફ કરી દીધી છે કે આ વિવાદ ધાર્મિક છે એટલે કોર્ટનો વિષય નથી.

કોર્ટે કહ્યું કે આ વિવાદ ધાર્મિક છે જે કોર્ટનો વિષય નથી એટલે કોઇ પણ જાતના પૂર્વગ્રહ વગર અરજી નામંજૂર કરવામાં આવે છે

યોગી ડિવાઇન સોસાયટી યુએસએના પ્રેમ સ્વરૃપ સ્વામી જૂથના ટ્રસ્ટી અને આજીવન સભ્ય શૈલેષ પટેલ ઉપરાંત અન્ય આજીવન સભ્યો લવ પટેલ, ગૌરાંગ પટેલ, કમલેશ પટેલ,નિલેશ અમીન, મુકેશ પટેલ અને પ્રેરક પટેલે ન્યુ જર્સીની સુપિરિઅર કોર્ટમાં અરજી કરી હતી કે યોગી ડિવાઇન સોસાયટીની અમેરિકામાં આવેલી મિલકતો અને મંદિરોમાં પ્રબોધ સ્વામી જૂથના ટ્રસ્ટી, સંતો, કાર્યકરો અને સભ્યોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવો. યોગી ડિવાઇન સોસાયટી અમેરિકાના તમામ ડોક્યુમેન્ટ, મીટિંગના રેકોર્ડસ, ચેકબુકો અને ઠરાવો પ્રેમ સ્વરૃપ સ્વામી જૂથને સોંપવા અને સમગ્ર યોગી ડિવાઇન સોસાયટી યુએસએ ટ્રસ્ટને ખારીજ કરીને કોર્ટ દ્વારા કસ્ટોડિયનની નિમણૂંક કરવામાં આવે.

ન્યુ જર્સીની કોર્ટે આ મામલે હૂકમ આપ્યો હતો કે કોઇ પણ જાતના પૂર્વગ્રહ વગર આ ફરિયાદને નામંજૂર કરવામાં આવે છે. કોર્ટે ચુકાદાના અંતમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે કેસની હકિકતને ધ્યાને લેતા કોર્ટ એ નિષ્કર્ષ પર આવી છે કે આ ધાર્મિક વિવાદ છે અને તે કોર્ટનો વિષય નથી માટે કોઇ પૂર્વગ્રહ વગર ફરિયાદીના કેસને બરતરફ કરવામા આવ્યો છે.

સોખડા હરિધામ વિવાદ : પ્રેમસ્વરૃપ જૂથની અરજીને ન્યુ જર્સીની કોર્ટેે નામંજૂર કરી 2 - image
સોખડા હરિધામ મંદિર


ઉલ્લેખનીય છે કે વડોદરા નજીક સોખડા ગામમાં આવેલ સ્વામિનારાયણ સંસ્થાન હરિધામના સ્થાપક ગુરૃ પૂ.હરિપ્રસાદ સ્વામીજી તા.૨૬ જુલાઇ ૨૦૨૧ના રોજ બ્રહ્મલીન થયા બાદ સંસ્થાની હજારો કરોડો રૃપિયાની મિલકતને મામલે પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે તકરાર ઉભી થઇ છે અને હરિભક્તો પણ બે જુથમાં વહેંચાઇ ગયા છે. 

આ વિવાદમાં પ્રબોધ સ્વામી જૂથે સોખડા હરિધામ સંકુલનો ત્યાગ કરીને હાલમાં બાકરોલ ખાતે સંસ્થાના જ મંદિર સંકુલમાં સ્થિર થયા છે.હરિધામનો વહિવટ યોગી ડિવાઇન સોસાયટી અંતર્ગત ચાલે છે અને યોગી ડિવાઇન સોસાયટીના મંદિરો તથા અન્ય મિલકતો વિદેશમાં પણ છે. જે પૈકી અમેરિકાના ન્યુ જર્સીમાં વર્ષ ૨૦૧૫માં સ્થાપવામાં આવેલ હરિધામ મંદિરનો મામલો ન્યુ જર્સીની કોર્ટમાં પહોંચ્યો હતો. 

Tags :