શ્યામલ કાઉન્ટી સો.ના પ્રમુખ પર ત્રણ મેમ્બરોનો તલવારથી હુમલો
મેન્ટેનન્સ ચાર્જ અનેક મેમ્બરો આપતા નથી તેમ પ્રમુખે કહેતાં જ મામલો બિચક્યો ઃ ઇજાગ્રસ્ત પ્રમુખને હોસ્પિટલ ખસેડાયા
જરાદો તા.૧૨ વડોદરા-વાઘોડિયારોડ પર આમોદર પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીના પ્રમુખ સાથે સોસાયટીના મેન્ટેનન્સ ચાર્જ પેટે બોલાચાલી કરી સોસાયટીના ત્રણ મેમ્બરોએ તલવાર, લોખંડની પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
આમોદર પાસે આવેલી શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં રહેતા અરવિંદ સામજી ગામીતે સોસાયટીમાં રહેતા હરેન્દ્રસિંહ છત્રસિંહ અટોદરીયા, રાકેશ નારણદાસ પટણી અને ચન્દ્રકાંત જશભાઇ સુથાર સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટિ એક્ટ મુજબ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરું છું અને વર્ષ-૨૦૨૨થી સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપું છું.
ગઇકાલે સાંજે હું ઘેર હતો ત્યારે રાકેશ પટણીએ મને ફોન કરી જણાવેલ કે સોસાયટીમાં રહેતા હરેન્દ્રસિંહને તમારી સાથે વાત કરવી છે તેમના ઘર પાસે બોલાવે છે. બાદમાં હું તેમના ઘર પાસે ગયો ત્યારે ત્રણેય મેમ્બરો ઘર પાસે ઊભા હતાં. હરેન્દ્રસિંહે તમો સોસાયટીના પ્રમુખ છો, સોસાયટીમાં આવેલ મહાદેવના મંદિરની લાઇટ ૧૦ દિવસથી બંધ છે ચાલુ કરવા કોઇ કાર્યવાહી કેમ કરતા નથી તેમ કહેતાં મેં સોસાયટીના ઘણા લોકો મેન્ટેનન્સ ચાર્જ આપતા નથી અને તમે તો મેન્ટેનન્સ આપતા જ નથી, નોટિસ આપીએ તો પણ તમો નોટિસ સ્વીકારતા નથી તેમ કહેતાં હરેન્દ્રસિંહ ઉશ્કેરાયા હતા અને મને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.
ત્રણેએ મારી સાથે મારામારી કરી હતી અને લોખંડની પાઇપ તેમજ તલવારથી હુમલો કરતાં મને ગંભીર ઇજા થઇ હતી. આ હુમલાના કારણે મેં બૂમાબૂમ કરવા છતાં આજુબાજુના લોકો ઝઘડો જોતા હતા પરંતુ છોડાવવા ના આવતાં હું ત્યાંથી ભાગીને સોસાયટીના ગેટ પાસે જતો રહ્યો હતો.