અધ્યાપક તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ આર્ટસની કેન્ટીન માથે લીધી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનમાં એક અધ્યાપકે હંગામો કરીને કેન્ટીન માથે લીધી હતી.અધ્યાપક પર સિક્યુરિટી અને વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
મળતી વિગતો પ્રમાણે બપોરના સમયે આ અધ્યાપક ચા -નાસ્તો કરવા માટે કેન્ટીનમાં ગયા હતા.આર્ટસ ફેકલ્ટી ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી જવાને આક્ષેપ કર્યો હતો કે, પોતાની ઓળખ અધ્યાપક તરીકે આપનાર આ વ્યક્તિએ પહેલા તો પાર્કિંગમાં ટુ વ્હીલર આડેધડ પાર્ક કર્યું હતું.જે અંગે ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો તો તેણે એલફેલ રીતે વાત કરી હતી અને ટુ વ્હીલરનુ વ્હીલ પગ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.તેનું વર્તન અધ્યાપકને છાજે તેવું હતું નહીં.
દરમિયાન આ અધ્યાપકની કેન્ટીનમાં પણ વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ થઈ હતી.વિદ્યાર્થીઓનુ કહેવું હતું કે, સિક્યુરિટી જવાનો સાથે થયેલી મગજમારીની કેન્ટીન સુધી વાત પહોંચી હતી.વિદ્યાર્થીઓએ શું થયું તેવુ પૂછ્યું તો આ વ્યક્તિએ ઝઘડો શરુ કર્યો હતો અને ઉલટાનું વિદ્યાર્થીઓ મારવા ભેગા થયા છે તેમ કહીને પોલીસ બોલાવી લીધી હતી.જોકે અમે પોલીસને સાચી હકીકતથી વાકેફ કર્યા હતા.આ દરમિયાનમાં સિક્યુરિટી જવાનો પણ કેન્ટીન ખાતે પહોંચ્યા હતા.
દરમિયાન આ વ્યક્તિએ પોતાનું નામ જણાવવાનો કે બીજી કોઈ વાત કરવાનો ઈનકાર કર્યો હતો.એ પછી મામલો થાળે પડી ગયો હતો.પાછળથી એવી ચર્ચા ચાલી હતી કે, આ વ્યક્તિ સાયન્સ ફેકલ્ટીમાં ફરજ બજાવે છે અને આ બાબતે સાયન્સ ફેકલ્ટીના ડીનનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે.