કોયલીમાં બૂટમાંથી કોબ્રાનું રેસ્ક્યૂ કરાયા બાદ ગાંધી નગરગૃહ પાસે યુવકના બુલેટમાંથી સાપનું રેસ્ક્યૂ
|
મહાત્મા ગાંધી નગરગૃહ પાસે કેટલાક યુવકો ગણપતિ જોવા માટે આવ્યા હતા.જે દરમિયાન એક યુવકે પોતાની બુલેટ મંગળબજારના નાકે પાર્ક કરી હતી.આ વખતે એક સાપ રોડ ક્રોસ કરીને બુલેટમાં ઘૂસી ગયો હતો.જેથી સિક્યુરિટી ગાર્ડની નજર પડતાં તેણે વાઇલ્ડ લાઇફ સંસ્થાના અરવિંદ પવારને જાણ કરી હતી.તેમણે કાર્યકરની સાથે અડધો કલાકની જહેમત બાદ બે ફૂટના બિનઝેરી સાપનું રેસ્ક્યૂ કર્યું હતું.આ વખતે સાપે તેમને ડંખ મારતાં હાથે ઇજા પણ થઇ હતી.બનાવના સ્થળે લોકોના ટોળાં જામ્યા હતા.
અન્ય એક બનાવ પાદરાના જાસપુર ગામના ખેતરમાં બન્યો હતો.જેમાં પાંચ થી છ ફૂટનો અજગર આવી જતાં ખેડૂતે વાઇલ્ડ લાઇફ સંસ્થાની મદદ માંગી હતી.કાર્યકરોએ અજગરનું રેસ્કયૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.
વડસર ખાતે એક ઝાડીમાં બે દિવસથી મગરનું બચ્ચુ ફસાયું હોવાની માહિતી મળતાં જીવદયા કાર્યકરોએ ત્યાં પહોંચી મગરના બચ્ચાંનું રેસ્કયૂ કર્યું હતું.બચ્ચાંને ફસાઇ જવાથી ઇજા થતાં ફોરેસ્ટ વિભાગે સારવાર માટે તજવીજ કરી હતી.