Get The App

એમ.એસ.યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના રુમમાં સાપે દેખા દીધી

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
એમ.એસ.યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના રુમમાં સાપે દેખા દીધી 1 - image

વડોદરાઃ વડોદરામાં વરસાદે વિરામ લીધો છે અને ચોમાસુ સત્તાવાર રીતે બહુ જલ્દી વિદાય લઈ રહ્યું છે.જોકે શહેરમાં સાપ અને મગરો હજી પણ રહેણાક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.જેના રેસ્ક્યૂ માટે જીવદયા પ્રેમીઓ અને ફોરેસ્ટ વિભાગની ટીમોને દોડધામ કરવી પડી રહી છે.

મળતી વિગતો પ્રમાણે એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં આવેલા હંસા મહેતા હોલમાં એક વિદ્યાર્થિનીના રુમમાં આજે સાપ જોવા મળતા હડકંપ મચી ગયો હતો.આજે રવિવાર હોવાથી મોટાભાગની વિદ્યાર્થિનીઓ પોતાના રુમમાં જ હતી.

આ પૈકીના એક રુમમાં પલંગની નીચે અડિંગો જમાવીને બેઠેલા સાપ પર વિદ્યાર્થિનીની નજર પડી હતી.રુમમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ સાથે તે બહાર નીકળી ગઈ હતી અને વોર્ડનને જાણ કરી હતી.જોત જોતામાં હોલમાં આ વાત પ્રસરી જતા વિદ્યાર્થિનીઓના ટોળા એકઠા થઈ ગયા હતા.

જોકે હોસ્ટેલમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી જવાને સાવચેતીપૂર્વક  સાપને રુમમાંથી રેસ્ક્યૂ કરી લીધો હતો અને બાદમાં તેને જીવદયા પ્રેમીઓને સુપરત કરી દીધો હતો.સાપ જોકે ઝેરી નહીં હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી કેમ્પસ વચ્ચેથી ભૂખી કાંસ પસાર થાય છે અને તેના કારણે કેમ્પસમાં કાંસના કિનારા પર મગર અવાર નવાર દેખા દે છે.હોસ્ટેલ કેમ્પસમાં પણ વૃક્ષો અને ઝાડી ઝાંખરા વધારે હોવાથી સાપ અને બીજા જીવ જંતુઓનો ડર રહેતો હોય છે.



Google NewsGoogle News