રણાસણમા બારીની ગ્રીલ તોડીને તસ્કરો ત્રાટક્યાં : 35 હજારની ચોરી

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
રણાસણમા બારીની ગ્રીલ તોડીને તસ્કરો ત્રાટક્યાં : 35 હજારની ચોરી 1 - image


પરિવારના સભ્યો મકાનમાં સૂઈ ગયા હતા તે દરમિયાન

ઘરનો સામાન વેર વિખેર કરીને ચોરીના ગુનાને અંજામ આપ્યો : ડભોડા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા રણાસણ ગામની સીમમાં બારીની ગ્રીલ તોડીને તસ્કરો મકાનમાં ત્રાટક્યાં હતા અને તેમાંથી ૩૫ હજાર રૃપિયા રોકડા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે ડભોડા પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે અને હજી આ તસ્કરો પોલીસની હાથમાં આવ્યા નથી ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ તસ્કર ટોળકી સક્રિય થઈ છે અને મકાનોને નિશાન બનાવી રહી છે ત્યારે શહેર નજીક આવેલા રણાસણ ગામની સીમમાં મકાનમાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ગાંધીનગરમાં વકીલાતનો વ્યવસાય કરતા રોમિતકુમાર મગનભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત મંગળવારની રાત્રે પરિવારના સભ્યો જમીન પરવારીને સુઈ ગયા હતા તે દરમિયાન સવારના ૬થ૦૦ વાગે તેમના મોટાભાઈના પત્ની ઊઠયા હતા અને તેમણે જોયું તો મકાનના મુખ્ય હોલમાં સામાન વેરવિખેર હાલતમાં જણાયો હતો અને તેમણે પર્સમાં મુકેલા ૩૫,૦૦૦ રૃપિયા ચોરાયા હતા. આ ઉપરાંત ઘરના અન્ય રૃમમાં પણ તસ્કરો દ્વારા સામાન વેર વિખેર કરી દેવામાં આવ્યો હતો. તસ્કરો દ્વારા મકાનની બાજુમાં આવેલી દિવાલ કૂદીને બારીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. હાલ આ મામલે ડભોડા પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં પણ ફાફડાટ ફેલાયો છે ત્યારે આ સ્થિતિમાં પોલીસે હવે આ ટોળકીને પકડવા માટે દોડધામ વધારવી પડશે.


Google NewsGoogle News