શિહોલીના ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટક્યા :૩.૭૬ લાખની ચોરી
નવરાત્રી પર્વ વચ્ચે ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ
ગામના મંદિરે આરતીમાં પરિવાર ગયો હતો તે દરમિયાન ચોરીની ઘટના : ચિલોડા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા મોટી શિહોલી ગામમાં રહેતો પરિવાર માતાજીના મંદિરે આરતી ઉતારવા માટે ગયો હતો તે દરમિયાન તસ્કરોએ મકાનમાં હાથ સાફ કરીને ૩.૭૬ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી. જેના પગલે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.
નવરાત્રી પર્વ દરમિયાન ગાંધીનગરમાં હવે તસ્કરો પણ પ્રવેશી
ચૂક્યા છે ત્યારે શહેર નજીક આવેલા મોટી શિહોલીના ફાર્મ હાઉસમાં ચોરીની ઘટના બહાર
આવી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે અહીં ફાર્મ હાઉસમાં રહેતા બાબુભાઈ જીવાભાઈ
પટેલ તેમની પત્ની, પુત્રી
સાથે ગામના મંદિરે માતાજીની આરતી કરવા માટે ગયા હતા. આ દરમિયાન આરતી પૂરી થયા પછી
તેમની પુત્રી અને ભત્રીજો કાર લઈને ઘરે ગયા હતા. જોકે ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો
દરવાજો અંદરથી બંધ હતો અને ત્યારબાદ ધક્કો મારતા તે ખુલી ગયો હતો. ઘરમાં જોતા
તેમાં ચોરી થઈ હોવાનું લાગતા બાબુભાઈને જાણ કરવામાં આવી હતી. જેના પગલે તેઓ પત્ની
સાથે ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં તપાસ કરતા તિજોરી પણ ખુલ્લી હતી એને કપડાં સહિત
સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. તિજોરીનું અંદરનું લોક પણ તૂટેલી હાલતમાં હતું.
આ દરમિયાન તપાસ કરતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૩.૭૬ લાખ રૃપિયાની
મત્તા ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે ચિલોડા પોલીસને જાણ કરવામાં
આવતા સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે
દોડધામ શરૃ કરી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી શરૃ થયેલી ચોરીની આ પ્રકારની
ઘટનાઓને કારણે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે.